તાપી જિલ્લામાં ચૂંટણી સ્ટાફનું વ્યવસ્થાપન
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સુપેરે પાર પડે તે માટે ચૂંટણી અધિકારી સહિત ૪,૭૪૪ અધિકારી/કર્મચારીઓ ફરજ બજાવશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આગામી દિવસોમાં યોજાઈ રહી છે ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી આર.જે.હાલાણીના માર્ગદર્શન હેઠળ તાપી જિલ્લામાં ચૂંટણી સ્ટાફ ના વ્યવસ્થાપન અંગે વિગતો આપતા નોડલ અધિકારી પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં સાત તાલુકાઓ અને વ્યારા નગરપાલિકા ની ચૂંટણીમાં પ્રિસાઈડીગ ઓફિસર,આસીસ્ટન્ટ પ્રિસાઈડીંગ ઓફિસર, પોલીંગ ઓફિસર,પટાવાળા મળીને કુલ ૪૭૪૪ ચૂંટણી કામગીરીમાં ફરજ બજાવશે તથા નિયમાનુસાર સ્ટાફ અનામત રાખવામાં આવશે. સ્થાનિક ચૂંટણીઓ પારદર્શક રીતે યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર સંપૂર્ણ આયોજન સાથે કટીબધ્ધ છે.
જિલ્લામાં ચૂંટણી માટે જરૂરી એવા તમામ પ્રકારની અધિકારી/કર્મચારીઓની જરૂરીયાત નક્કી કરી, કર્મચારી કેટલા ઉપલબ્ધ છે તેની વિગતો તાલુકા કક્ષાએથી નોડલ ઓફિસર દ્વારા મેળવવામાં આવી રહી છે. ડીજીટલ ટેકનોલોજી ના માધ્યમથી ચૂંટણીમાં ફરજ બજાવતા કર્મચારીઓની વિગતો અધ્યતન કરવામાં આવી રહી છે. ચૂંટણીમાં ફરજ અંગેની માહિતી ગુગલ ડ્રાઈવમાં તાલુકા પાસે માહિતી અપડેટ કરવી તથા ગુગલ સીટ ડાઉનલોડ કરી મેળવેલી વિગતોનું વિશ્લેષણ કરવું. જરૂરીયાત મુજબ સમયસર ચૂંટણીના જુદા-જુદા કામો માટે આ અધિકારી/કર્મચારીઓને તેમની હાજરી, નિમણૂંક આપવી, ગે૨હાજરી રજાઓ વિગેરેની વિગતો રાખવી અને તેઓની મુળ કચેરીઓ/ વિભાગો સાથે સંપર્કમાં રહેવું. અને અધિકારી/કર્મચારીઓને લગતી તમામ બાબતો અંગેની કામગીરી શિસ્તબધ્ધ ચાલે તેવા પ્રયાસો હાથ ધરવામાં રહેશે.
નોડલ ઓફિસર પી.આર.ચૌધરીએ જણાવ્યું હતું કે રાજય ચૂંટણી આયોગ તરફથી બહાર પાડવામાં આવતા જાહેરનામાં, ઠરાવ/પરિપત્રોમાં આપેલ સુચનાનુ પાલન કરીને વખતો વખતની ચૂંટણીલક્ષી કામગીરી સૌએ કરવાની રહેશે.
૦૦૦૦૦