તાપી-નવસારીની અભયમ ટીમે લકવાગ્રસ્ત મહિલાને કલાકોની ગણતરીમાં પોતાના ઘરે પહોંચાડ્યા
તાપી-નવસારીની ટીમે સંયુક્ત રીતે કામ કરી શ્રેષ્ઠ ઉદાહરણ પ્રસ્તુત કર્યુ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : કોઈ પણ પીડિત મહિલા સાથે થતી હિંસા જેવી કે શારીરિક, માનસિક, આર્થિક તેમજ કાર્યના સ્થળે જાતીય સતામણી, લગ્નજીવન તેમજ અન્ય સંબંધોના વિખવાદો, સોશિયલ મીડિયાના માધ્યમથી થતી હેરાનગતિ કે છેડતી અને રેપ કેસ, જાતીય તેમજ બાળજન્મને લગતી કે અન્ય કોઈ બાબતો માટે મહિલાઓ માટે 24 કલાક અભયમ 181 હેલ્પલાઈન નંબર કાર્યરત છે. તેનું શ્રેષ્ઠ ઉદાહરણ તાપી અને નવસારી જિલ્લાની ટીમે સંયુક્ત રીતે કામગીરી કરી મહિલાને તેમના ઘરે પરત પહોંચાડ્યા છે. એક લકવાગ્રસ્ત વૃદ્ધ મહિલા પરિવારથી દૂર નવસારીના ફૂટપાથ પર બિમાર અને થાકેલ હાલતમાં નજરે પડતા એક વ્યક્તિ અભયમ 181 મહિલા હેલ્પલાઈનને કોલ કરી મહિલા વિશે જાણ કરે છે અને ટીમ નવસારી તાત્કાલિક ધોરણે તે મહિલા પાસે પહોંચે છે. મહિલાને લકવો થયો હતો તેમજ શરીર પણ ધ્રુજતુ હતું. મહિલાની થેલી તપાસતા ટીમ નવસારીને તેમના જ પુત્રનો મોબાઈલ નંબર મળ્યો હતો. દિકરા સાથે સંપર્ક કરી મહિલા વિશે જાણ કરી તેમ છતા વ્યારામાં રહેતો દિકરો નવસારી આવવા આનાકારી કરતો હતો. જેથી નવસારીની અભિયમે મહિલાને વ્યારાની અભિયમ ટીમને સોંપી હતી. ટીમ વ્યારાએ ઝડપી કામગીરી હાથ ધરતા મહિલાને તેમના ઘરે લઈ ગયા, જ્યાં દિકરાએ જણાવ્યું કે પિતાના અવસાન બાદ મારી માતા કડિયા કામ કરતા અને સમય મળે ત્યારે આવતા. પરંતુ કેટલાક વર્ષોથી તેઓ ઘરે આવ્યા ન હતા. અંતે વ્યારાની અભયમ ટીમે પુત્રને વૃદ્ધવસ્થા અને કાયમી મજૂરી કરવાને કારણે અશક્ત થઈ ગયેલ માતાને પાસે રાખી કાળજી લેવા જણાવ્યું હતું.
ટીમ અભયમ, તાપીએ લોકડાઉનના સમયમાં પણ ઈમરજન્સી કોલ સેન્ટર અને ફિલ્ડ સ્ટાફે 24 કલાક પોતાના જાનના જોખમ સાથે કોવિડ પ્રોટોકોલ સાથે પીડિત મહિલાઓને સુરક્ષા પહોંચાડી ઉમદા કામગીરી કરી છે. મહિલા સશક્તિકરણનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડનાર અભયમે કોરોનાકાળમાં પણ કોરોના વોરિયર તરીકે અવિરત સેવાઓ પુરી પાડી છે. આ ટીમ દ્વારા પીડિત મહિલાઓ પાસે પહોંચી હૂંફ પુરી પાડી તેમના દુઃખમાં ભાગ લઈ હિંમત અને સધિયારો આપી ઝિંદાદીલીથી જીવવાનો અને મુશ્કેલીનો સામનો કરી કુટુંબ ભાવના કેળવવા પ્રેરિત કરવામાં આવે છે.
તાપી જિલ્લાની વાત કરીએ તો વિતેલ વર્ષ 2020 દરમિયાન તાપી જિલ્લામાં મળેલા કોલની વિગત જોઇએ તો ઘરેલુ હિંસાના કુલ 2598, ટેલીફોનિક/મોબાઇલ દ્વારા હેરાનગતિના 130, વ્યસન આલ્કોહોલ દ્વારા હેરાનગતિના 1195 અને બાળલગ્ન અટકાયત બાબતના 9 કેસ મળ્યા હોવાનું 181 અભયમ દ્વારા જણાવાયું છે. ગુજરાત સરકાર દ્વારા ખાસ મહિલાઓ માટે શરૂ કરવામાં આવેલ છે. ‘અભયમ 181 હેલ્પલાઈન’ સાથે કરવામાં આવેલા સંપર્કનો રેશિયો પણ વધ્યો છે અને અભિયમે તમામ મહિલાઓના પ્રશ્નોને વાચા આપી છે અને માર્ગદર્શન આપી મદદ પણ કરી છે.
૦૦૦૦૦