તાપી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાસુમન અર્પિત કરાયું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોની સ્મૃતિમાં ૩૦મી જાન્યુઆરી, ૨૦૨૧ને શનિવારના રોજ તાપી જિલ્લામાં શહીદ દિન નિમિત્તે સવારે 11.00 કલાકે બે મિનિટ મૌન પાળી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યુ હતું. સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્યવહારની ગતિને આ બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું હતું. જે મુજબ નિવાસી અધિક કલેકટર, તાપી-વ્યારા દ્વારા જિલ્લાની તમામ કચેરીઓને સુચના આપવામાં આવી હતી.
આજરોજ સવારે 10.59 થી 11.00 કલાક સુધી સાયરન વગાડવા સુચનો કરવામાં આવ્યા હતાં. સાયરન બંધ થતાની સાથે જ જયાં કાર્ય કરતા હોય તેવા બધા જ સ્થળોએ કામ કરનાર સૌ પોતપોતાની જગ્યાએ શાંત ઉભા રહી મૌન પાળે, જયાં શકય હોય ત્યાં વર્કશોપ, કારખાના અને કચેરીઓનું કામકાજ બંધ રાખવામાં આવે. આકાશવાણી બે મિનિટ પોતાના કાર્યક્રમ બંધ રાખે અને રસ્તાઓ પરના વાહનવ્યવહાર શકય હોય ત્યાં સુધી થોભે તે જોવા વિનંતી કરવામાં આવી હતી. સાથો-સાથ 11.00 વાગે ઉપડતી ટ્રેનો અને વિમાનોને તેમના મથકે બે મિનિટ માટે થોભે તે માટે જોવા પણ વિનંતી કરાઇ હતી. મૌનનો સમય પૂરો થયો છે એમ બતાવવા બરાબર 11.02 થી 11.03 કલાકે સાયરન ફરીથી વગાડવામાં આવી હતી. ત્યાર બાદ રાબેતા મુજબનું કામકાજ ફરીથી શરૂ કરાયુ હતું. શહીદવીરો પ્રત્યે ઋણ અદા કરી મૌન પાળવાના આ અવસરને ગૌરવશાળી બનાવવામાં સહયોગ આપવા તાપી જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર દ્વારા સૌને અપીલ કરવામાં આવી હતી.