તાપી : ચુંટણી દરમિયાન પ્રતિબંધિત વિસ્તાર અંગેનું જાહેરનામું
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા, તાલુકા પંચાયત તથા નગરપાલિકાની સામાન્ય ચુંટણી યોજાનાર છે. જે અંતર્ગત આચારસંહિતા અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં ચુંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષીને અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલ દરેક મતદાન મથકોએ કોઈ પણ રાજકીય પક્ષ, ઉમેદવાર કે તેના ચુંટણી એજન્ટ, કાર્યકરો કે સમર્થકોએ કે અન્ય કોઈ વ્યક્તિઓ પર અમુક પ્રકારના પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.
જે મુજબ મતદાન મથકની 200 મીટરની અંતર સુધીમાં કોઈ પણ મંડપ બાંધવો નહીં અને એક જ મંડપ બાંધી શકાશે જેમાં એક ટેબલ તથા બે ખુરશી જ રાખી શકાશે. તથા મંડપની ફરતે કંતાન કે પછેડી જેવી આડશ લગાવી શકાશે નહીં. મંડપ બાંધવા માંગતા ઉમેદવારે જગ્યા અંગે સ્થાનિક સત્તા મંડળની લેખિત મંજૂરી મેળવવી અને ચુંટણી અધિકારીશ્રીને જાણ કરવી પડશે. મતદારોને જે સ્લીપ આપવામાં આવે તેમાં ઉમેદવારનું નામ/ચિન્હ કે રાજકીય પક્ષનું નામ લખેલ હોવું ન જોઈએ. મતદાન કરીને આવેલ મતદારે મંડપમાં ભેગા/એકત્ર કરી શકાશે નહીં. સાથે જ ઉમેદવારોના કેમ્પ સાદગીપૂર્ણ હોવા જોઈએ જેના પર કોઈ પોસ્ટર, પ્રતિકો કે અન્ય પ્રચાર સામગ્રી પ્રદર્શિત કરી શકાશે નહીં. મતદારોને મથક સુધી પ્રવેશ માટે અડચણ ઉભી થાય તેવું કૃત્ય કરવું નહીં. મતદાન મથકની 100 મીટરની હદમાં સેલ્યુલર ફોન, કોડલેન્સ ફોન કે વાયરલેસ સેટ્સ લઈ પ્રવેશ કરી શકાશે નહીં. આ હુકમ તા.26/01/2021 થી તા.06/03/2021 સુધી અમલી રહેશે.
૦૦૦૦૦