ચુંટણી દરમિયાન સરકારી મિલકતના ઉપયોગ કરવા પર પ્રતિબંધ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષીને રાજકીય પક્ષો કે ઉમેદવારોએ અમલ કરવાની આદર્શ આચારસંહિતા મુજબ સરકારી આરામગૃહો, ડાક બંગલાઓ તથા વિશ્રામગૃહોનો ચુંટણીના કામે ઉપયોગ કરવા ઉપર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે મુજબ 1. ડાક બંગલાઓ, સરકારી/અર્ધસરકારી આરામગૃહો, વિશ્રામગૃહો, ફોરેસ્ટ ગેસ્ટહાઉસ તથા જાહેર સ્થળો હોય તેવા તમામ ગૃહો કે સ્થળોનો રાજકીય પક્ષના હોદ્દેદારો, ચૂંટણી લડતા ઉમેદવારો તથા કાર્યકરોને પ્રચારના હેતુસર ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. 2. ચુંટણી પ્રચાર માટે આવેલા મહાનુભાવોને સરકારી વિશ્રામગૃહ, અતિથિગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવવામાં આવી હોય મહાનુભાવોને લાવવા લઈ જતા વાહનને જ સરકારી વિશ્રામગૃહ વગેરેના કમ્પાઉન્ડમાં રાખવાની પરવાનગી આપી શકાશે. જો તેઓ એક કરતા વધુ વહાનોનો ઉપયોગ કરતા હોય તો તેઓ બેથી વધુ વાહનોને વિશ્રામગૃહ/અતિથિ ગૃહના કમ્પાઉન્ડમાં રાખી શકશે નહીં. 3. કોઈ એક વ્યક્તિને 48 કલાકથી વધુ સમય માટે રૂમ ફાળવી શકાશે નહીં તેમજ ચુંટણી પ્રચાર માટે આવતા કોઈ પણ મહાનુભાવોને મતદાન પુરૂ થવાના 48 કલાક પહેલા વિશ્રામગૃ/અતિથિ ગૃહ વગેરેમાં રહેવા માટે રૂમ ફાળવી શકાશે નહીં. તથા અતિથિ ગૃહોમાં રહેવાની વ્યવસ્થા પુરી પાડવામાં આવી હશે તો તેઓની પાસેથી નક્કી કરેલ સામાન્ય દરોએ પુરેપુરી વસુલાત લેવાની રહેશે. આ હુકમ તાત્કાલિક અસરથી તા.03/03/2021 સુધી અમલ કરવાનો રહેશે. ૦૦૦૦૦