ચુંટણીમાં જાહેર /ખાનગી મિલકતોનો ઉપયોગ કરવા બાબતે જાહેરનામુ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી તા.28/02/2021ના રોજ યોજાનાર જિલ્લા /તાલુકા પંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આદર્શ આચાર સંહિતા અમલી બની છે. ચુંટણી દરમિયાન તાપી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી થાય તેમજ ચુંટણી પ્રક્રિયા દરમિયાન લોકોની સલામતિ જળવાઇ તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ જાહેરનામું બહાર પાડી જાહેર અને ખાનગી મિલકતોનો પરવાનગી વગર ઉપયોગ નહિં કરવા તાકીદ કરી છે.
જે મુજબ ચૂંટણી સમયે રાજકીય પક્ષો, ઉમેદવારો, કાર્યકરો કે સમર્થકો દ્વારા ધ્વજ, આધારદંડ, બેનર, પોસ્ટર, નોટીસ લગાવવા, સૂત્રો લખવા, જાહેર મકાન, દિવાલ, હાઇ-વે અથવા બે માર્ગો ક્રોસ થતા હોય તેવા દિશાસૂચક સાઇનબોર્ડ, હાઇ-વે પરના માઇલ સ્ટોન, રેલ્વે ક્રોસિંગ પાસે ચેતવણીના બોર્ડ, રેલ્વે-બસ સ્ટેશન પ્લેટફોર્મના નામ, વોર્ડ, અગર જનતાની સગવડ માટે પ્રદર્શિત કરેલ કોઇ નોટીસ બોર્ડ વિગેરે જાહેર અથવા ખાનગી મિલ્કતોનો પરવાનગી સિવાય માલ મિલ્કતોનો ઉપયોગ કરી બગાડ નહિં કરવા માટે તાપીના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી.વહોનિયાએ એક જાહેરનામું બહાર પાડી તાકીદ કરી છે. આ હુકમ તા.26/01/2021 થી તા.06/03/2021 સુધી સમગ્ર તાપી જિલ્લામાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.