ચુંટણી પ્રચારમાં વાહનના ઉપયોગ કરવા બાબતે જાહેરનામુ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : આગામી દિવસોમાં જિલ્લા/તાલુકાપંચાયત/નગરપાલિકાની સામાન્ય ચુંટણી અંતર્ગત આચારસંહિતાના અમલીકરણ દરમિયાન જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તથા મુકત અને ન્યાયી વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે ચુંટણીને અનુલક્ષી રાજકીય પક્ષોના ઉમેદવારો તેમના સમર્થકો તથા તેમના વાહનો લાવવા પર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.બી. વહોનિયાએ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધ ફરમાવ્યો છે.
જે મુજબ 1. કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવારો કે કાર્યકરો પોતાના પક્ષના ચુંટણી પ્રચાર માટે વાહનનો ઉપયોગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા મત વિસ્તારના ચુંટણી અધિકારીશ્રી પાસે વાહનની નોંધણી કરાવી પરવાનગી મેળવ્યા સિવાય વાહનનો કે લાઉડ સ્પીકરનો ઉપયોગ કરી ચુંટણી પ્રચાર કરી શકશે નહીં. 2.ચુંટણી પ્રચારમાં ઉપયોગમાં લેવાયેલ વાહનો ઉપર વીન્ડ સ્ક્રીન ઉપર પરમીટ લગાડ્યા સિવાય ચુંટણી પ્રચાર કરી શકશે નહીં. 3. વગર પરવાનગીએ વાહનમાં લાઉડસ્પીકરનો ઉપયોગ કરી ચુંટણી પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આ હુકમ તાત્કાલિક અસરથી તા.26/01/2021 થી તા.06/03/2021 સુધીમાં તાપી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સજાને પાત્ર થશે.