ટેકનોલોજીના યુગમાં લોકો જાગૃત બની કોઈ પણ ભય વગર નિષ્પક્ષ રીતે મતદાન કરે તે ખુબ જરૂરી છે : મુખ્ય જિલ્લા ન્યાયધીશશ્રી એસ.વી. વ્યાસ
વ્યારા ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ
ચૂંટણી પંચ દ્વારા ઇ-એપિક લોન્ચ કરવામાં આવી : મોબાઇલમાં ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકાશે
(માહિતી બ્યુરો,વ્યારા-તાપી): તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે મુખ્ય જિલ્લા ન્યાયધીશશ્રી એસ.વી.વ્યાસની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં ૧૧મા રાષ્ટ્રીય મતદાતા દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં પ્રેરક પ્રવચન કરતા મુખ્ય જિલ્લા ન્યાયધીશશ્રી એસ.વી.વ્યાસે જણાવ્યું હતુ કે, ભારત જેવા દુનિયાના સૌથી મોટી લોકશાહી ધરાવતા દેશમાં લોકતંત્રની જીત ત્યારે જ થાય જ્યારે સૌ મતદારો તેમની ફરજ ઉત્સાહ ભેર નિભાવે, ભારતનુ લોકતંત્ર દરેક મતદારને પોતાની પસંદગીના પ્રતિનિધિ ચૂંટવાની સમાન તક આપે છે. આ આપણને સમાન રીતે મળેલો મહત્વપૂર્ણ અધિકાર છે. ૨૫ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે ભારતના ચૂંટણીપંચની સ્થાપના થઇ હતી અને તેની યાદગીરી રૂપે વર્ષ ૨૦૧૧ થી ૨૫મી જાન્યુઆરીને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
તેમણે વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતા ભારત દેશની લોકશાહીને મજ્બૂત બનાવવા વર્તમાન ટેકનોલોજીના યુગમાં લોકો જાગૃત બની કોઈપણ ભય વગર નિષ્પક્ષ રીતે મતદાન કરે તે ખુબ જરૂરી છે. દેશની લોકશાહીના પાયા મજબુત થાય તે માટે તમામ લાયક વ્યક્તિઓ પોતાના નામ મતદારયાદીમાં નામ નોંધાવે તે ખાસ જરૂરી છે અને સાથે સાથે ચૂંટણી વખતે તમામ નાગરિકો પોતની નૈતિક ફરજ સમજી લોભ, લાલચ અને ભય વિના તટસ્થ રીતે અચૂક મતદાન કરે તે માટે જન જાગૃતિ લાવવા આહવાન કર્યુ હતુ અને રાષ્ટ્રીય મતદાતા દિવસ ઉજવણીની શુભેચ્છાઓ પાઠવતા તમામ નાગરિકોને દેશ પ્રત્યે પોતાની નૈતિક ફરજ સમજી લોકશાહીના જતન માટે અમુલ્ય યોગદાન આપેતેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.
કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર અને જિલ્લા ચુંટણી અધિકારીશ્રી આર.જે હાલાણીએ જણાવ્યું હતુ કે,ભારતના ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ તાપી જિલ્લામાં વર્તમાન સમયમાં પારદર્શક ,મુકત અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયાના આયોજન માટે ટેકનોલોજિકલ ટુલ્સનો મહત્તમ ઉપયોગ કરી મતદારયાદીઓના સુધારા વધારા માટે સમયાંતરે વિવિધ કાર્યક્રમો જાહેર કરી લોકોમાં પ્રચાર પ્રસાર માટે મતદાર જાગૃતિ અંગે સ્વીપ અંગેના બેનર્સ, મેસેજીંગ એપ્સ, ઇલેક્ટ્રોનિક ડીજીટલ સોશિયલ મિડીયા, પ્રિન્ટ/ઈલેક્ટ્રોનોક મિડીયા સહિત વિવિધ માધ્યમો દ્વારા સઘન પ્રચાર પ્રસારની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે. મતદાર યાદી સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત તા.૦૧/૦૧/૨૦૨૧ની લાયકાત તારીખે મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પૂર્ણ થયેલ છે.
વધુમાં તાપી જિલ્લામાં ૧૨૦૦૦ જેટલા નવા મતદારોનો ઉમેરો થતા ૨.૪૯ % જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે. સાથે મૃત્યુ/સ્થળાંતર અને અન્ય કારણોસર ૪૫૦૬ મતદારોના નામ કમી કરવા પાત્ર હોય મતદારયાદીમાંથી કમી થયેલ છે, ૩૧૦૭૦ મતદારોના નામોમાં સુધારાઓ કરવામાં આવેલ છે આમ જિલ્લામાં ૨,૪૧,૮૨૮ પુરૂષ અને ૨,૫૧,૧૭૮ સ્ત્રી તથા ૫ અન્ય જાતિ મળી કુલ- ૪,૯૩,૦૧૧ મતદારો નોંધાયેલા છે. વધુમાં ૧૮-૧૯ વયજૂથના ૯૦૨૭ યુવાઓની મતદાર તરીકે નોંધણી થતા ૧૮-૧૯ નો વયજૂથમાં ૧.૭૯ % જેટલો નોંધપાત્ર વધારો થયેલ છે.
તેમણે જણાવ્યું કે, તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા ઓનલાઇન ચૂંટણી કાર્ડ જનરેટ કરવાની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં nvsp.in , voterportal.eci.gov.in તથા VOTER HELPLINE એન્ડ્રોઇડ મોબાઇલ એપ્લીકેશન મારફત ડાઉનલોડ કરી શકાશે. ઉપરાંત પ્રથમ તબક્કામાં છેલ્લા મતદારયાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસ.એસ.આર.૨૧ દરમ્યાન નવા નોંધાયેલા મતદારો પૈકી જેમને ફોર્મ ફોર્મ નં.૬ સાથે પોતાના મોબાઇલ નંબર રજીસ્ટર કરાવેલ હશે, તેવા મતદારો પોતાના મોબાઇલ કે ડેસ્કટોપ ઉપર nvsp પોર્ટલનો ઉપયોગ કરીને ચૂંટણી કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
વધુમાં તેમણે આજે સમગ્ર દેશની સાથે તાપી જિલ્લાના તમામ ૬૦૫ મતદાન મથકોના ૪૬૩ સ્થળો ખાતે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી હોવાનું જણાવી કોરોના જેવી વિષમ પરિસ્થિતિમાં પણ શ્રેષ્ઠ કામગીરી કરી લોકતંત્રને સુદ્રઢ બનાવવા રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં જોડાઇ સશક્ત, સજાગ, સુરક્ષિત અને જાગૃત મતદાર બનીએ તેવી આશા વ્યક્ત કરી હતી.
આ પ્રસંગે નવા મતદારોનું તથા ચુંટણીલક્ષી કામગીરી સારી કરનાર કર્મીઓનું અને કેમ્પઅસ એમ્બેસડોરનું પણ સન્માન કરાયું હતુ. ઉપસ્થિત સૌએ એક જવાબદાર મતદાર તરીકે પોતાની ફરજ અદા કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે નાયબ વનસંરક્ષકશ્રી આનંદકુમાર,અધિક કલેક્ટરશ્રી બી.બી.વહોનીયા, નાયબ પોલિસ અધિક્ષકશ્રી આર.એલ.માવાણી, ઇ.ચા.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ,પ્રાંત અધિકારીશ્રી હિતેષ જોષી,બાર એસોસિયેશન પ્રમુખશ્રી નિતીન પ્રધાન,પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, નવા મતદારો,સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધી ઇ.ચા.નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નૈતિકા પટેલ તથા કાર્યક્રમનું સફળ સંચાલન અરવિંદ ગામીતે કર્યુ હતુ.
૦૦૦૦૦