માંગરોળ તાલુકાની પાલોદ સીમમાં ગત રાત્રી દરમિયાન થયેલાં અકસ્માતમાં પંદરનાં મોત, અન્ય છ ઘાયલ : વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર આપવાની કરાયેલી જાહેરાત : વનમંત્રીએ લીધેલી મુલાકાત
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કીમ ચારરસ્તા થી માંડવી જતાં માર્ગ ઉપર પાલોદ ગામની સીમમાં ગત રાત્રી દરમિયાન માર્ગની બાજુમાં સુતેલા મજૂરો ઉપર એક હાઈવા ચઢી જતાં પંદરનાં મોત થયા છે. જ્યારે અન્ય છ ગાયલ થયા છે. આ બનાવને પગલે વડાપ્રધાન કાર્યાલય તરફથી મોતને ભેટનારાઓને બે લાખ અને સારવાર લઈ રહેલાંને પચાસ હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉપરોક્ત રાજ્યધોરીમાર્ગ ઉપર પાલોદ ગામ નજીક માર્ગની બાજુમાં ગત રાત્રી દરમિયાન ભર ઉઘમાં સુઈ રહેલાં મજૂરો ઉપર હાઈવા નંબર જીજે-૧૯-એક્ષ-૦૯૦૧ નાં ચાલક મુન્નાલાલ શ્રીરામ લખને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતાં હાઈવા સીધું મજૂરો સુતેલા હતા. એનાં ઉપર ફરી વળ્યું હતું. જેને પગલે છ પુરૂષ, આંઠ સ્ત્રી અને એક બાળકી મળી કુલ પંદર જણાનાં મોત થયા છે.જ્યારે અન્ય છ સ્મીમેર હોસ્પિટલ,સુરત ખાતે ૧૦૮ ની મદદથી લઈ જઈ સારવાર લઈ રહ્યા છે. જેમાં હાઈવાનો ચાલક, કન્ડક્ટર નો પણ સમાવેશ થાય છે. આ બનાવની જાણ પ્રથમ પાલોદ આઉટ પોલીસ ચોકીને થતાં પોલીસ સ્ટાફ ઘટનાં સ્થળે પોહચી ગયો હતો. આ બનાવ પ્રશ્ને કોસંબા પોલીસ મથકે ચાલક વિરુધ્ધ FIR દાખલ કરી વધુ તપાસ પી.આઈ. વી.કે.પટેલ ચલાવી રહ્યા છે. પંદર લાશોને પી.એમ. માટે કોસંબા પ્રાથમિક આરોગ્ય ખાતે લઈ જવામાં આવી હતી. માંગરોળ તાલુકા આરોગ્ય કચેરીનાં આરોગ્ય અધિકારી ડો.આર.પી. શાહીએ પંદર લાશોનું પી.એમ. કરવાનું હોય આસપાસનાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફિસરોને કોસંબા રવાના કર્યા હતા. આ બનાવની જાણ આ વિસ્તારનાં ધારાસભ્ય અને રાજ્યનાં વનમંત્રી ગણપતસિંહ વસાવા કે જેઓ આજે સવારે ગાંધીનગર જઈ રહ્યા હતા તે દરમિયાન પાનોલી ખાતે પહોંચ્યા હતા ત્યાં થતાં તેઓ ત્વરીત ત્યાંથી પરત ફરી ઘટનાં સ્થળે આવી પોહચ્યા હતા, ત્યાંથી સીધા કોસંબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ગયા હતા જ્યાં અધિકારીઓ સાથે ચર્ચા કરી માહિતી મેળવી હતી. આ બનાવ પ્રશ્ને વડાપ્રધાનના કાર્યાલય તરફથી મોતને ભેટનારને બે લાખ અને ઇજા ગ્રસ્તો ને પચાસ હજાર રૂપિયા સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે.