તાપી : વ્યારા નગરપાલિકામાં ચૂંટણીનાં માહોલમા આવી રહેલો ગરમાટો !!
વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વધુ એક કદમ આગળ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ પક્ષ ખૂબ જ એગ્રેસીવ રીતે આગળ વધી રહ્યો હોય એવું લાગી રહ્યું છે, જેના ભાગરૂપે નગરપાલિકાના વર્તમાન પ્રમુખ અને સતત ચાર ટર્મ થી ચૂંટાતા મહેરનોશભાઈ જોખીની સામે નવી વસાહત વિસ્તારના એક સમયે તેમના નિકટના અને વિશ્વાસુ એવા યુવા આગેવાન વિરલ ટેલરને કોંગ્રેસેે ઉમેદવાર તરીકે જાહેરાત કરતા વોર્ડ વાતાવરણમાં પણ ગરમાટો આવી ગયો છે.
કોંગ્રેસ પક્ષ દ્વારા નવી વસાહત વિસ્તારના બીજા ઉમેદવાર તરીકે મુકેશભાઈ રાઠોડ ઉર્ફે મંત્રીની પસંદગી કરવામાં આવી છે. મુકેશભાઈ આ વિસ્તારમાં વર્ષોથી સમાજસેવાના કાર્યો સાથે સંકળાયેલા છે એમના ભાઈ દિનેશભાઈ અગાઉ કોર્પરેટર પણ રહી ચૂક્યા છે, અને એમની પણ ગણતરી મહેરનોશભાઈના નજીકના માણસોમાં થતી હતી. એક પછી એક મહેરનોશભાઈના ગઢના કાકરા ખરતા જાય એવો મોહોલ વોર્ડમાં બની રહ્યો છે. આ વખતે આ વિસ્તારમાં સ્થાનિક નવયુવાનો એ જ મહેરનોશભાઈની સામે ઉમેદવારી કરતા ભાજપ અને ખાસ કરીને મહેરનોશભાઈ સામે મોટો પડકાર ઉભો થઇ ગયો છે. કોંગ્રેસ દ્વારા પસંદ કરવામાં આવેલા બંને ઉમેદવારો વિરલભાઇ ટેલર અને મુકેશભાઈ રાઠોડ આ વિસ્તારના યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને સારૂ એવું પ્રભુત્વ ધરાવે છે જેથી મહેરનોશભાઈએ પોતાનો વોર્ડ છોડીને અન્ય વોર્ડમાં લડવાનું મન બનાવ્યું હોવાનું પણ બિન સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
જયારે મહેરનોશભાઈ છેલ્લી ચાર ટર્મથી આ વિસ્તારમાંથી ચૂંટાયા છતાં તેમની સામે જે અસંતોષ દેખાઈ રહ્યો છે તેને કારણે ભાજપની ચિંતામાં વધારો થયો છે, અને સાંસદ પ્રભુભાઈ વસાવાનાં નજીકના ગણાતા સુધીર ચૌહાણ કે જે 15 વર્ષથી આ વિસ્તારમાં ભાજપના દાવેદાર તરીકે ગણાય છે, તેઓ પણ ટિકિટ મેળવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, ભાજપ દ્વારા નગરપાલિકાના વર્તમાન પ્રમુખ મહેરનોશભાઈ ને બીજા વિસ્તારમાંથી લડાવીને સુધીરભાઈને આ વિસ્તારમાંથી ટિકિટ આપવામાં આવે તેવી પણ શક્યતાઓ જણાઈ રહી છે. ભાજપના ટિકિટ વાંચ્છુઓ દ્વારા ચાલી રહેલી ટિકિટની કાપાકાપી અને ખેંચાણને કારણે ભાજપના કાર્યકર્તાઓ માં નિરાશાનો માહોલ દેખાઈ રહ્યો છે.
નોંધનીય છે કે ભાજપ માંથી અજયભાઇ રાજપૂત પણ દાવેદારી કરવા માંગે છે તો એમનું પાર્ટીમાં કેટલું પ્રભુત્વ છે તે તો આવનારા દિવસોમાંજ ખબર પડશે કે પાર્ટી એમને ટિકિટ આપે છે કે કેમ ?