તાપી : યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રોત્સાહિત કરવા “વસંતોત્સવ” ચિત્ર સ્પર્ધાનુ આયોજન કરાશે
જિલ્લા કક્ષાની સ્પર્ધા તા.૨૮ જાન્યુઆરી થી ૧૪ ફેબ્રુઆરી અને રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધા તા.૨૦ ફેબ્રુઆરીએ યોજાશે
(માહિતી બ્યુરો, વ્યારા) : રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા તા.૦૧/૧૦/૨૦૨૦ના રોજ ગુજરાતના યુવાધનને યોગ તથા શારીરિક સશક્ત બનાવવાના હેતુથી વર્તમાન મોબાઇલ ટેકનોલોજીના વપરાશ સાથેના અભિગમથી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ” ના અભિયાનની નવતર પહેલ કરવામાં આવેલ છે. કોરોના મહામારીના સંજોગોમાં ફેસબુક, વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ તથા વિડીયો ગેઇમ્સ જેવી પ્રવૃતિઓમાં અત્યંત કિમતી સમય વેડફતા યુવાધનની હકારાત્મક રીતે ક્રિયાશીલ કરવા રમત ગમતની પ્રવૃતિઓ તરફ આકર્ષિત કરવા એ સમયની જ તાતી જરૂરિયાત છે. યુવાધનનો શારીરિક અને માનસિક વિકાસ ઉત્તમ રીતે થાય તે હેતુથી સરકારે આ વર્ષ દરમિયાન “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ”ની નવી યોજના મંજુર કરેલ છે. જે અંતર્ગત “મોબાઇલ ટૂ સ્પોર્ટ્સ” ફેસબુક પેજ, યુ-ટ્યુબ ચેનલ, રેડિયો ક્વીઝ, ચિત્રસ્પર્ધા, ટેલિવિઝન તેમજ સોશિયલ મીડિયા સબંધિત માધ્યમો દ્વારા ખ્યાતનામ ખેલાડીઓની વિગતો, ઓડિયો/વિડીયો કલીપ રજુ કરી યુવાનોને રમતગમતની પ્રવૃતિઓ માટે પ્રેરણાસહ આકર્ષિત કરવામાં આવશે.
આ અંગે રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી તથા જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી તાપી દ્વારા સંયુકત રીતે “વસંતોત્સવ” કાર્યક્રમ અંતર્ગત એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં ૮ થી ૧૩ ( જન્મ તા. ૩૧/૧૨/૨૦૨૦ને ગણવાની રહશે) વર્ષના બાળકો ભાગ લઇ શકશે. સ્પર્ધકે A-4 સાઇઝના ડ્રોઇંગ પેપર પર “વસંતોત્સવ” વિષય પર પોતાની કૃતિ તૈયાર કરી તા.૧૪/૦૨/૨૦૨૧ બપોરે ૧૨:૦૦ કલાક સુધી જિલ્લા યુવા વિકાસ અધિકારીને બ્લોક નં-૬ પ્રથમ માળ, જિલ્લા સેવા સદન પાનવાડી વ્યારાને મોકલવાનું રહેશે. આ અંગેની વધુ માહિતી “મોબાઇલ ટુ સ્પોર્ટ્સ “યોજના અંતર્ગત ફેસબુક પેજ https://www.facebook.com/mobile2sports તેમજ યુ-ટયુબ ચેનલની લીંક http://www.youtube.com/channel/UCZsiROvtHpN4rK ensUaz-g પરથી મળી શકશે.
રાજ્યકક્ષાની ચિત્રસ્પર્ધામાંથી ૧૦ વિજેતા કલાકારોની પસંદગી થશે તેઓ પૈકી પ્રથમ વિજેતાને રૂ.૨૫૦૦૦/- દ્રિતીય વિજેતાને રૂ.૧૫૦૦૦/- તૃતીય વિજેતાને રૂ.૧૦૦૦૦/- એમ ત્રણ ઇનામો અને બાકીના અન્ય સાત વિજેતાઓને રૂ.૫૦૦૦/- આશ્વાસન ઇનામો આપવામાં આવશે. તમામ વિજેતાઓને ચિત્રકામ કીટ (ડ્રોઇગ કીટ) આપવામાં આવશે.
૦૦૦૦૦