તાપી : કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈમાં કેટલશેડ અને મનરેગા હેઠળ કામ શરૂ કરવા ગ્રામજનોની માંગ
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડાના કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈમાં કેટલશેડ અને મનરેગા હેઠળ કામ શરૂ કરવા ગ્રામજનોએ TDOને રજુઆત કરી છે.
કેટલશેડ અને મનરેગા હેઠળ ૧૦૦ દિવસની રોજગારી બંને ગામના ગ્રામજનોને તાત્કાલિક આપવામાં આવે એવી માંગ મોરંબા અને ઈંટવાઈ ગામના ગ્રામજનો દ્વારા ગત દિવસોમાં તાલુકા વિકાસ અધિકારીને કરવામાં આવી હતી. પરંતુ જવાબદાર વહીવટી તંત્ર દ્વારા કામગીરી ચાલુ ન કરવામાં આવતા આજ રોજ કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈ ગામના ગ્રામજનો દ્વારા તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરી પ્રશ્નોના નિરાકરણ માટે લેખિત રજુઆત કરવામાં આવી છે. કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈમાં કેટલશેડ બનાવવામાં પશુપાલકો માટે કેટલ શેડ યોજના હેઠળ સહાય મેળવવા માટે ગ્રામસભામાં ઠરાવ મંજૂરી માટે કાર્યવાહી થઈ ચુકી છે. પરંતુ કુકરમુંડા તાલુકાના મોરંબા અને ઈંટવાઈ ગામના ગ્રામજનોને કેટલશેડ અને મનરેગા હેઠળ રોજગારી સહાય આજદિન સુધી આપવામાં આવેલ નથી. જે અંગે કુકરમુંડા તાલુકા વિકાસ અધિકારીને વારંવાર લેખિત રજુઆત કરવામાં આવી છે. પરંતુ આ રજૂઆતને મહિનો વીતી ગયા હોવા છતાં પણ ગ્રામજનોને યોજનાનો લાભ મળી શક્યો નથી.