કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા આંગણવાડી કાર્યકરો માટે ‘આહાર અને પોષણ વ્યવસ્થા’ વિષય ઉપર ઈન-સર્વિસ તાલીમ યોજાઈ
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લાનું કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે કાર્યરત છે. સદર કેન્દ્ર દ્વારા જિલ્લાના વિવિધ ગામોના ખેડૂતભાઈઓ, મહિલાઓ અને વિસ્તરણ કાર્યકરોને જરૂરિયાતલક્ષી તાલીમ આપવામાં આવે છે. તાપી જિલ્લામાં આદિવાસી ખેડૂત કુટુંબમાં સિકલસેલ એનીમિયા તેમજ કુપોષણ જોવા મળે છે. જે માટે આહાર અને પોષણ વિષયક જાગૃતિ લાવવી ખૂબજ જરૂરી છે. આ બાબતને ધ્યાને લઈ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા અને સંકલિત બાળ વિકાસ યોજના, તાપીના સંયુક્ત ઉપક્રમે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તાપી ખાતે તા. ૨૮/૧૨/૨૦૨૦ થી તા. ૩૧/૧૨/૨૦૨૦ દરમ્યાન કુલ ચાર(૪) ઈન-સર્વિસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાલીમમાં ડોલવણ અને વ્યારા તાલુકાના વિવિધ ગામોની કુલ ૧૪૨ આંગણવાડી કાર્યકરોએ ઉમંગભેર ભાગ લીધો હતો.
કેન્દ્રના વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા ડો. સી. ડી. પંડ્યાએ ઉપસ્થિત તાલીમાર્થીઓને આહાર અને પોષણ તેમજ સ્વચ્છતા અભિયાનના મહત્વ વિષે માહિતી આપી હતી. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારાના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ મહિલાઓ અને બાળકો માટે આહાર અને પોષણ વ્યવ્યસ્થા વિષે વિસ્તૃતમાં માર્ગદર્શન પૂરું પાડી સર્વાંગી સ્વાસ્થ્ય ઉપર ભાર મૂક્યો હતો. વધુમાં, આંગણવાડી કાર્યકરોને ન્યુટ્રીશનલ કિચન ગાર્ડન અને સોયાબીનની વિવિધ બનાવટો વિષે ટેકનીકલ માહિતી આપવામાં આવી હતી અને સાથે કેન્દ્ર ખાતે ગંગામા વર્તુળ પધ્ધતિથી તૈયાર કરેલ ન્યુટ્રીશનલ કિચનગાર્ડન મોડેલની તાલીમાર્થીઓએ મુલાકાત લઈ આંગણવાડી કેન્દ્ર ખાતે ગંગામા કિચનગાર્ડન મોડેલ બનાવવા માટે રસ દાખવ્યો હતો. ઉપરાંત, તાલીમ દરમ્યાન આરોગ્ય વિષયક ફિલ્મ શો બતાવવામાં આવ્યો હતો અને સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત સ્વચ્છતા શપથ પણ લેવામાં આવી હતી. તાલીમ દરમ્યાન વ્યારા તાલુકાના સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી શ્રીમતી ધનુબેન પણ ઉપસ્થિત રહ્યા હતા અને તાલીમાર્થીઓને માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કર્યા હતાં.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન અને આભારવિધિ કેન્દ્રના ગૃહવિજ્ઞાન વિભાગના વૈજ્ઞાનિક પ્રો. આરતી એન. સોનીએ કરી હતી.