રાજ્ય સરકાર દ્વારા “ગુજરાતના કોરોના વોરિયર્સ” વિષય પર યોજાયેલ ઓનલાઇન ત્રિવિધ સ્પર્ધાઓમાં ઓલપાડ તાલુકાનો ડંકો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : રાજ્ય સરકાર દ્વારા ૧લી મે ગુજરાત સ્થાપનાદિન નિમિત્તે દર વર્ષે ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવે છે. પરંતુ હાલની કોરોના મહામારી વચ્ચે લોકડાઉન થતા તમામ શાળાઓ બંધ છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ વિદ્યાર્થીઓ પોતાના ઘરે બેસીને જ ઓનલાઇન સ્પર્ધામાં ભાગ લઈ ગુજરાત ગૌરવ દિનની ઉજવણી કરે તેવો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો. “ગુજરાતના કોરોના વોરિયર્સ” એ વિષય ઉપર ચિત્ર, કાવ્ય અને નિબંધ સ્પર્ધાનું ઓનલાઇન આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા ધોરણ-૩ થી ૮ (પ્રાથમિક) અને ધોરણ-૯ થી ૧૨ (માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક) એમ બે વિભાગમાં યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં સુરત શહેર સહિત જિલ્લાભરની સરકારી તથા ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ બહોળા પ્રમાણમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.
જિલ્લા કક્ષાની આ સ્પર્ધામાં ભાગ લીધેલ વિદ્યાર્થીઓની સ્વરચિત-મૌલિક કૃતિઓને મૂલ્યાંકન માટે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી, સુરત દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરતને મોકલવામાં આવી હતી. જ્યાં પ્રાચાર્ય દ્વારા ચિત્ર, કાવ્યલેખન અને નિબંધલેખન સ્પર્ધાના જિલ્લાના નિષ્ણાંત શિક્ષકોની દરેક સ્પર્ધા માટે ત્રણ-ત્રણ નિર્ણાયક સમિતિ રચવામાં આવી હતી. નિર્ણાયકોના તટસ્થ મૂલ્યાંકનના અંતે ત્રણેય સમિતિના કન્વીનર પ્રાચાર્ય દ્વારા તાજેતરમાં ત્રણેય સ્પર્ધાઓના પરિણામો ઘોષિત કરવામાં આવ્યા હતા.
જેમાં પ્રાથમિક વિભાગની કાવ્યલેખન સ્પર્ધામાં ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત અસ્નાબાદ પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પ્રિયંકા સંજયભાઈ યાદવ પ્રથમ ક્રમે વિજેતા બની હતી,જ્યારે નિબંધલેખન સ્પર્ધામાં સુગર ફેકટરી સાયણ પ્રાથમિક શાળામાં ધોરણ-૮ માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચિરાગ જયરામભાઈ યાદવે પણ પ્રથમ ક્રમે વિજેતા બની ઓલપાડ તાલુકાનો ડંકો વગાડ્યો હતો. બંને વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર તરફથી ૧૫-૧૫ હજારની માતબર રકમનો રોકડ પુરસ્કાર જાહેર થયેલ છે. આ બંને તેજસ્વી તારલાઓને તેમની આ વિશિષ્ટ સિદ્ધિ બદલ તાલુકાના બી.આર.સી. કો-ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલ તથા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલે તેમને તથા તેમના માર્ગદર્શક શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત બંને શાળાના મુખ્યશિક્ષકોને ગૌરવસહ અભિનંદન પાઠવ્યા હતા. એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.