તાપી જિલ્લા યુવા ઉત્સવમાં પિતા-પૂત્રો ઝળક્યા

Contact News Publisher

રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા વર્ચ્યુઅલ સ્પર્ધાઓ યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :  તા.૨૮ઃ રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની જિલ્લા રમત-ગમત અધિકારીશ્રીની કચેરી,વ્યારા જિ.તાપી દ્વારા જિલ્લા યુવા ઉત્સવની વર્ચ્યુઅલ/ઓનલાઈન સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તા.૧૯-૧૨-૨૦૨૦ થી તા.૨૪-૧૨-૨૦૨૦ દરમિયાન જુદા જુદા વય જૂથમાં લોકનૃત્ય,લોકગીત,એકપાત્રિય અભિનય,કર્ણાટકી સંગીત,શાસ્ત્રિય કંઠ્ય સંગીત જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ હતી. જિલ્લા કક્ષાએ ભાગ લેનાર કલાકારોએ પોતાના ઘરે જ રહી ઓડિયો/વિડયો સ્વરૂપે પોતાની કલાઓ રજુ કરી હતી.
હાલમાં પ્રવર્તમાન સમય કોરોના ઈફેકટ વચ્ચે યુવા કલાકારોને પ્રોત્સાહન મળે અને કલાકારોમાં ઉત્સાહ વધે તેવા આશય સાથે રાજ્યના રમત-ગમત વિભાગ દ્વારા આયોજન કરવામાં આવે છે. જિલ્લા યુવા ઉત્સવમાં વ્યારા (શિવશક્તિનગર)ના પિતા-પૂત્રોની જોડી ઝળકી હતી. ૨૧ થી ૫૯ વય જૂથમાં ચીમકુવા પ્રાથમિક શાળાના આચાર્ય પ્રદિપભાઈ રમણભાઈ ચૌધરી શાસ્ત્રિય કંઠ્ય (સુગમ સંગીત)માં પ્રથમ નંબરે વિજેતા થયા હતા. જ્યારે ખુ.મા.ગાંધી પ્રાથમિક શાળા,વ્યારા ખાતે ધો.-૪માં અભ્યાસ કરતો તેમનો પૂત્ર મિત પ્રદિપભાઈ ચૌધરી ભજન સ્પર્ધામાં(૬ થી ૧૪ વર્ષ) તૃતિય ક્રમે વિજેતા તેમજ ચૌધરી દર્શકુમાર પ્રદિપભાઈ ગાયન સ્પર્ધા સુગમ સંગીતમાં ચતુર્થ ક્રમે વિજેતા જાહેર થયા હતા. પ્રથમ ક્રમે આવનાર પ્રદિપભાઈ ઝોનકક્ષાએ ભાગ લેશે.
જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા યુવા વિકાસ અધિકારી અમૃતાબેન ગામીત તથા શિવશક્તિ પરિવારે વિજેતા પિતા-પૂત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.
૦૦૦૦૦૦

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other