BRC, ઓલપાડ દ્વારા તાલુકાના CRC તથા મુખ્ય શિક્ષકો માટેની એકદિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : BRC, ઓલપાડ દ્વારા તાલુકાના CRC તથા મુખ્ય શિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિરનો કાર્યક્રમ ઓલપાડ તાલુકાની તળાદ વિભાગ માધ્યમિક શાળાના સભાખંડમાં સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપકભાઈ દરજીના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ બળદેવભાઇ પટેલ, મહામંત્રી મહેન્દ્રસિંહ ઠાકોર તથા સંઘના હોદ્દેદારો, સ્થાનિક શાળાના આચાર્ય દોલતસિંહ ઠાકોર , તાલુકાના તમામ CRC, ઉપરાંત તાલુકાની તમામ શાળાના મુખ્યશિક્ષક ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. BRC કો.–ઓર્ડીનેટર કિરીટભાઈ પટેલે ઉપસ્થિત સૌ મહાનુભાવો તથા મુખ્યશિક્ષકોનુ શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. તેમણે કોરોના મહામારી વચ્ચે લોકડાઉનથી આજપર્યંત શાળાઓ બંધ છે, ત્યારે તાલુકાના તમામ શિક્ષક ભાઈ-બહેનોએ ખૂબ જ નિષ્ઠાપૂર્વક અનાજ વિતરણ, મધ્યાહન ભોજન કેશ વિતરણ, ઘરે શીખીએ, એકમ કસોટી, વર્ચ્યુઅલ ક્લાસ, બાળકોને ટેલીફોનીક માર્ગદર્શન, ઓનલાઇન વિવિધ સ્પર્ધાઓ, ઓનલાઇન વિવિધ તહેવારોની ઉજવણી ઉપરાંત જે-તે ધોરણોના બાળકોને શૈક્ષણિક લિંક વોટ્સએપ એપના માધ્યમથી પહોંચાડવા જેવી ઉમદા કામગીરી કરી અને હજી પણ કરી રહ્યા છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી તેમની હૃદયપૂર્વક સરાહના કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કાર્યક્રમના અધ્યક્ષ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીપકભાઈ દરજીએ પોતાના માર્ગદર્શક ઉદબોધનમાં ઉપસ્થિત CRC તેમજ સૌ મુખ્યશિક્ષક ભાઇ-બહેનોને શિક્ષક કભી સાધારણ નહી હોતા જેવા અનેક ઉદાહ રણો ટાંકીને જણાવ્યું હતું કે એક સંવેદનશીલ શિક્ષક કલ્પનાતીત કામ કરીને બાળકો તથા સમાજને નવી દિશા બતાવી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે કામ કરવાનો હોંશ વર્ગખંડ અને વર્ગખંડની બહાર પણ જેનામાં હોય તે સાચો શિક્ષક.તદુપરાંત તેમણે સૌને ઓનલાઇન શિક્ષણ વ્યવસ્થા, શાળામાં બાળકોનો વધુમાં વધુ પ્રવેશ, જવાહર નવોદય વિદ્યાલય, NMMS પરીક્ષા, દૈનિક નોંધપોથી, વાર્ષિક નિરીક્ષણ, શાળા સમય બાદ પણ બાળકોને મોબાઈલથી તેને મૂંઝવતા પ્રશ્નો હલ કરવા જેવી બાબતો અંગે માર્ગદર્શિત કર્યા હતા. અંતમાં તેમણે ઓલપાડ તાલુકાના શિક્ષક-ભાઈ બહેનો, BRC-CRC ઉપરાંત BRC ભવનના સ્ટાફે યોગ્ય સંકલન થકી સ્વૈચ્છિક સ્વખર્ચે જે યુનિફોર્મ સ્વીકારી સમાજને એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે તે બદલ સૌનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતા.અંતમાં આભાર વિધિ મુખ્યશિક્ષક અમિતભાઈ પટેલે આટોપી હતી. કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક શાળાએ જહેમત ઉઠાવી હતી.એમ તાલુકાના પ્રચાર-પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે જણાવ્યું છે.