ડિઝાસ્ટર આપત્તિ નિવારણ તાલીમ દ્વારા ડાંગ જિલ્લાના જુદા-જુદા વિભાગોના કર્મચારીઓને અને અધિકારીઓને તાલીમ બધ્ધ કરવામાં આવ્યા
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તા મંડળ અને આદર્શ મહિલા મંડળ દ્વારા આયોજીત ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન તાલીમ કાર્યક્રમનું આયોજન ડાંગ જિલ્લા ખાતે યોજવામાં આવ્યું હતું. આ આયોજન માનનીય કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાના જુદાજુદા વિભાગો જેવા કે શિક્ષણ, આરોગ્ય, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પંચાયતી રાજના અધિકારી-કર્મચારીઓની આપત્તિ વિષયક બે દિવસીય તાલીમ આપવામાં આવેલ હતી. જેમાં કોઈપણ પ્રકારની આપત્તિ આવે એમાં શોધ અને બચાવની કામગીરી કઈ રીતે કરવી તેમજ કોઈપણ ઘટના થાય એવા સમયે પ્રાથમિક સારવાર કઈ રીતે આપવી જેવી પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી હતી. સાથે સાથે રાજ્યમાં બની રહેલ આગ અકસ્માતને ધ્યાનમાં રાખી ફાયર સેફ્ટી અંગેની તેમજ ફાયરનાં સાધનોનો ઉપયોગ કઈ રીતે કરવો એનું ડેમોસ્ટ્રેશન તમામ કર્મચારીઓને બતાવી એનો ઉપયોગ કઈ રીતે કરવો તે શીખવાડવામાં આવ્યું હતું. તેમજ કોરોના મહામારી ને ધ્યાનમાં રાખી ડાંગ જિલ્લાના જુદાજુદા વિભાગોમાં પચાસ પચાસ કર્મચારીઓના પચ્ચીસ પચ્ચીસનો બેચ બનાવી સોશિયલ ડિસ્ટનસિંગ જાળવી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન અધિક નિવાસી કલેક્ટરશ્રી ટી.કે. ડામોર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને મામલતદારશ્રી ડિઝાસ્ટર, મામલતદારશ્રી આહવા – સુબિર દ્વારા બેચ પ્રમાણે ઉદ્ઘાટન કરવામાં આવેલ હતું. જેનું સંચાલન કલેકટર કચેરી ડિઝાસ્ટર શાખાના ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ અધિકારીશ્રી ચિંતન પટેલ દ્વારા કરવામાં આવેલ હતું.