સુરતનાં માંડવી ખાતે જિલ્લા કોગ્રેસ તરફથી કૃષિ વિરોધી કાયદાનાં બીલની પ્રત બાળવાનો પ્રયાસ કરતાં જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ સહિત કોગી કાર્યકરોની અટકાયત કરતી પોલીસ : મામલો ગરમાતા ઉચ્ચપોલીસ અધિકારીઓ દોડી આવ્યા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સુરતનાં માંડવી ખાતે જિલ્લા કોગ્રેસ તરફથી કૃષિ વિરોધી કાયદાનાં બીલની પ્રત બાળવાનો કાર્યક્રમ જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખનાં નેતૃત્વમાં રાખવામાં આવ્યો હતો. પરંતુ પ્રત બાળે એ પહેલા જ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત કોગી કાર્યકરોની અટકાયત પોલીસે કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી થોડા સમય અગાઉ કૃષિને લગતાં ત્રણ કાયદાઓ બનાવ્યા છે. આ કાયદાના વિરોધમાં હાલમાં પણવિવિધ કિસાન સંઘો આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે તારીખ ૨૪ મીનાં રોજ સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અને માંડવી વિધાનસભા વિસ્તારનાં ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની આગેવાનીમાં જિલ્લાના માંડવી ખાતે સુપડી વિસ્તારમાં આ કૃષિ કાયદાના બીલોની પ્રત સળગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કોગી આગેવાનો કૃષિ કાયદાની પ્રત બાળે એ પહેલાં જ માંડવી પોલીસે જિલ્લા પ્રમુખ આનંદભાઈ ચૌધરી સહિત કાર્યકરોની અટક કરી, માંડવી પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા. આ બનાવની જાણ માંડવી, માંગરોળ અને બારડોલી ગ્રામ્ય વિસ્તારોમાં થતાં આ વિસ્તારનાં કોંગી કાર્યકરો માંડવી પોલીસ મથકે દોડી આવ્યા હતા. આ કાર્યકારોનું કહેવું છે કે માંડવી પોલીસે જે ધરપકડ કરી છે. એ ખોટી છે. જેને પગલે પોલીસ મથક ખાતે દોડી આવેલા કાર્યકરોએ માંડવી પોલીસ મથકની બહાર જયાં સુધી અટક કરાયેલા કોગી પ્રમુખ અને કાર્યકરોને છોડવામાં ન આવે ત્યાં સુધી અડ્ડો જમાવ્યો હતો. આ બનાવની જાણ ઉચ્ચપોલીસ અધિકારીઓને કરાતાં સુરત વિભાગનાં ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો માંડવી આવી પોહચ્યો હતો. જો કે મોડી સાંજે અટકાયત કરાયેલા તમામને છોડી મુક્યા હતા.