પાસપોર્ટ સહિત અનેક કામગીરીમાં આધારકાર્ડ માંગવામાં આવતાં, હાલમાં પણ તાલુકા મથક માંગરોળ ખાતે વહેલી સવારથી લોકોની લાઈનો લાગે છે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સરકાર દ્વારા આધારકાર્ડ અમલમાં મૂકવાને ઘણો લાંબો સમય થયો છે. છતાં હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે. પારંભમાં જ્યારે આધારકાર્ડ બનાવવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારે જન્મ તારીખની કોલમમાં માત્ર વર્ષ જ લખવામાં આવતું હતું. પરંતુ પાછળથી આધારકાર્ડમાં આખી જન્મ તારીખ હોય તો જ આધારકાર્ડ સરકારી કામગીરીમાં માન્ય રાખવામાં આવતાં, શરૂઆતમાં બનેલાં તમામ આધારકાર્ડમાં આ સુધારો કરાવવાની નોબત આવી, સાથે જ પાસપોર્ટ બનાવવામાં પણ આધારકાર્ડ માંગવામાં આવતાં તથા આધારકાર્ડ અને જન્મ તારીખમાં નામોની જે જોડણી હોય એ જોડણીઓ સરખી હોવી જોઈએ. જેથી અનેક આધારકાર્ડ ધારકોએ આ બધા સુધારા કરાવવાની નોબત આવતાં હાલમાં પણ માંગરોળ મામલતદાર કચેરી ખાતે માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોની જનતા આવા સુધારાઓ આધારકાર્ડમાં કરાવવા માટે છેક માંગરોળ મામલતદાર કચેરી સુધી વહેલી સવારથી આવી જાય છે.અને લાઈનમાં ઉભા રહે છે. અગાઉ આધારકાર્ડ બનાવવા માટે ખાનગી એજન્સીઓને કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. પરંતુ પાછળથી કોન્ટ્રાકટ રદ કરી દેવામાં આવતાં હાલમાં સમગ્ર માંગરોળ તાલુકામાં એક માત્ર માંગરોળ, મામલતદાર કચેરી ખાતે જ આધારકાર્ડ અંગેની કામગીરી ચાલી રહી છે. જેથી વહેલી સવારથી જ લાઈનો લાગે છે. અગાઉ પાસપોર્ટ બનાવવા માટે અનેક ડોક્યુમેન્ટો માંગવામાં આવતાં હતાં. હાલમાં માત્ર આધારકાર્ડ અને જન્મ તારીખ નું પ્રમાણપત્ર રજૂ કરવાથી પાસપોર્ટ બની જાય છે.