ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે ખેડૂતોના પાકને જંગી નુકસાન

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટા સાથે વાદળછાયુ વાતાવરણ છવાઈ રહેતા સમગ્ર પંથકમાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. જ્યારે સાપુતારા સહિત આહવા પંથકના અમુક ગામડાઓમાં સતત બીજા દિવસે વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ તૂટી પડતા ખેડૂતોના પાકને જંગી નુકસાન થવા ની ભીતિ વર્તાઈ રહી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ગતરોજ ગુરુવાર અને આજરોજ શુક્રવાર એમ બે દિવસ સુધી વાતાવરણમાં પલટા સાથે વાદળછાયું વાતાવરણ રહેતા સમગ્ર પંથકના ગામડાઓનું વાતાવરણ બેવડી ઋતુમાં ફેરવાયું હતું. ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે અચાનક વરસાદના અમી છાંટણા પડતાં વાતાવરણમાં શીત લહેર જોવા મળી હતી. ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી વાતાવરણમાં પલટા વચ્ચે અમુક ઠેકાણે કમોસમી વરસાદ તો અમુક ઠેકાણે મધ્યમ સ્વરૂપે વરસાદ પડતાં આદિવાસી ખેડૂતોના શાકભાજી પાકો પર અસર વર્તાઈ હતી. જ્યારે ડાંગ જિલ્લાના આહવા પંથકના ગામડાઓ સહીત જંગલ વિસ્તારમાં શુક્રવારે સવારના અરસામાં સાડા સાત ના ગાળામાં વરસાદ પડતા થોડા સમય માટે આખા રસ્તા પાણી થી ભીના થયા હતા આજરોજ પડેલા આ કમોસમી વરસાદને લીધે ડાંગી ખેડૂત ના ખેતરમાં ઊભા રહેલ પાક જેવા કે કાંદાના ધરું સ્ટોબેરી તથા ટામેટા જેવા પાકોને નુકસાન થવાની ભીતિ ખેડૂતોની ચિંતા વધી રહી હતી જ્યારે ચણા અને ઘઉંને જીવનદાન મળ્યું હોય એવું વર્તાઈ રહ્યું હતું.
વધુમાં સાપુતારા આવતા સહેલાણીઓને આ વાતાવરણનો આનંદ ઉઠાવવાનો લ્હાવો મળ્યો હતો અને આવું વાતાવરણ જોઇ તેઓ આ યાદગાર પળોને પોતાના કેમેરામાં કેદ કરી હતી. જ્યાં સુધી આ લખાઈ રહ્યું છે ત્યા સુધી આખો દિવસ દરમિયાન સમગ્ર ડાંગ વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું અને સાપુતારા અહીં દિવસ ધુમ્મસ થી છવાય રહ્યું હતું અને સાપુતારા આવતા પ્રવાસી ઓ ને પોતાની ગાડી ની હેડ લાઈટ ચાલુ રાખવાની નોબત આવી હતી.