પાકિસ્તાન : ટ્રેનમાં લાગી ભયંકર આગ, 73 લોકોનાં મૃત્યુ

Contact News Publisher

પાકિસ્તાન રેલવેની ‘તેઝ ગામ એક્સપ્રેસ’માં આગ લાગવાથી લગભગ 73 લોકોનાં મૃત્યુ થયાં છે.

તેઝ ગામ એક્સપ્રેસ કરાચીથી રાવલપીંડી જઈ રહી હતી. લિયાકતપુર પહોંચતી વખતે ટ્રેનના ત્રણ ડબ્બામાં આગ લાગી ગઈ.

રહીમ યાર ખાન જિલ્લાના ડીપીઓ અમીર તૈમુર ખાને જણાવ્યું કે 42થી વધારે લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને મુલતાનના બર્ન-સેન્ટર ખાતે મોકલાઈ રહ્યા છે.

રહીમ યાર ખાનના ડેપ્યૂટી કમિશનર જમીલ અહમદ જમીલે બીબીસીને કહ્યું કે ઘટનામાં 73 લોકોનાં મોત થયાં છે. જ્યારે 39 લોકો ઘાયલ થયાં છે અને છ લોકોની હાલત હજી નાજુક છે. ઘાયલોની શેખ ઝાયેદ હૉસ્પિટલમાં સારવાર કરવામાં આવી રહી છે.

રેલમંત્રીનું કહેવું હતું કે પીડિતો તબલીગી જમાતનો એક સમૂહ હતો જે લાહોરમાં ઇમ્તિયાઝ માટે મુસાફરી કરી રહ્યો હતો.

તેમના મતે મુસાફરો પાસે નાસ્તાનો સામાન હતો અને સિલિન્ડર તેમજ ચૂલા હતા. કહેવાઈ રહ્યું છે સિલિન્ડર ફાટવાથી આગ લાગી.

તેમણે જણાવ્યું કે આગ પર કાબૂ મેળવી લેવાયો છે અને ત્રણ ડબ્બા પ્રભાવિત થયા છે. ઇજાગ્રસ્તોને નજીકની હૉસ્પિટલમાં દાખલ કરાયા છે.

તેમણે એવું પણ કહ્યું કે ટ્રેન પાટા પરથી નીચે ઊતરી નથી અને એક કલાકની અંદર લિયાકતપુર જંકશન પહોંચાડી દેવાશે.

ઇમરાન ખાને દુઃખ વ્યક્ત કર્યું

રેડિયો પાકિસ્તાનના જણાવ્યા અનુસાર આ ઘટના પર પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને દુઃખ વ્યક્ત કર્યું છે અને પીડિતોની યોગ્ય સારવાર માટે આદેશ પણ જાહેર કર્યો છે.

રેલમંત્રી શેખ રશીદે જણાવ્યું છે કે મુસાફરો અને ટ્રેનનો વીમો લીધેલો છે, જેથી આર્થિક નુકસાનની ભરપાઈ થઈ જશે. તેમણે આ ઘટનાની તપાસ કરવાની પણ સ્પષ્ટતા કરી છે.

ખાનગી ચેનલ સાથે વાત કરતાં શેખ રશીદે કહ્યું કે એક જ નામથી કેટલાય ડબ્બાનું બુકિંગ કરાયું હતું. અધિકારીઓ માર્યા ગયેલા લોકોની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *