તાપી : સોનગઢ નગરપાલિકાની વિવિધ સમિતિઓની રચના બાબતે અનેક તર્ક વિતર્કો !!
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ નગરપાલિકા પ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણૂકને ત્રણ માસ વહાણાં વીતી ગયા છતાં વિવિધ સમિતિઓની રચના બાકી હોય ભાજપાને કયુ ગ્રહણ નડી રહ્યું છે? જેને લઈ નગરજનોમા અનેક તર્ક-વિતર્કો થઇ રહ્યાં છે.
સોનગઢ નગરપાલિકામાં કુલ સાત વોર્ડના 28 સભ્યોમાં ૨૧ સભ્યો ભાજપા અને સાત સભ્યો કોંગ્રેસના હોય સત્તાની ધૂરા સંભાળી મહિલા અનામત હોવાથી વૈશાલીબેન ચૌધરી પ્રમુખ પદે બિરાજ્યા હતા. જેમનો કાર્યકાળ પૂર્ણ થતા બક્ષીપંચ અનામત હોય ભાજપનાં ટપુ ભરવાડના નામનું મેન્ડેટ મુજબ તેઓ પ્રમુખ પદે બિરાજ્યા છે. તેમજ ઉપપ્રમુખ તરીકે ભાવનાબેન ગામીત અને કારોબારી અધ્યક્ષ તરીકે નિખિલભાઇ શેઠની વરણી કરવામાં આવી હતી જ્યારે મુખ્ય એવી બાંધકામ આરોગ્ય અને વીજળી સહિતની સમિતિની રચના બાકી હોય તમામ સમિતિઓનું ગાડુ પ્રમુખ દ્વારા ગબડાવવામાં આવી રહ્યું છે. જેને લઇ ચૂંટાયેલા સભ્યોમાં પણ અંદરો અંદર કચવાટ શરૂ થયો છે. જ્યારે ભાજપ હાલ ગુજરાત પ્રદેશ થી લઈ જિલ્લા સંગઠનના માળખામાં વ્યસ્ત છે જ્યારે તાપી જિલ્લા ભાજપ સંગઠનના ચાણક્યનાં નામથી પ્રચલિત મયંક જોશી આ બાબતને ધ્યાનમાં લઈને સોનગઢ નગરપાલિકાની બાકી સમિતિની રચના કરવામાં પોતાનું યોગદાન આપે તે જરૂરી છે.
વિરોધપક્ષના નેતા બાબતે કોગ્રેસ ઉદાસીન !!
સોનગઢ નગરપાલિકામાં ભાજપનું શાસન છે . કોગ્રેસ વિરોધપક્ષની ભૂમિકામાં છે. ભાજપા દ્વારા ત્રણ મહિના અગાઉ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી અધ્યક્ષની નિમણુંક કરી દેવામાં આવી હતી પરંતુ કોગ્રેંસનું દ્વારા વિરોધપક્ષના નેતાની જાહેરાતના ઉદાસીનતા દાખવવા પાછળનું કારણ શું હોય શકે ? કોગ્રેસ પાસે એવો કોઇ સક્ષમ નગરસેવક નથી ? જેવા અનેક સવાલો નગરજનોમાં ચર્ચાય કરવામાં રહ્યા છે.