તાપી : ડોસવાડા બાદ કપુરામાં લગ્ન પ્રસંગે સરકારી ગાઈડ લાઈનની ઐસી કી તૈસી : તંત્ર ફરી ઊંઘતુ ઝડપાયું
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં ડોસવાડા ખાતે માજી મંત્રી કાન્તીભાઈ ગામીતની પૌત્રીનાં સગાઈ પ્રસંગે કોરોના ગાઈડ લાઈનનો ભંગ થયાની ઘટનાની શ્યાહિ હજુ સુકાઈ નથી ત્યાં વ્યારાનાં કપુરા ગામેથી લગ્ન પ્રસંગે ડી.જે. ઉપર ઝૂમતા ટોળા દ્વારા ગાઈડલાઈનનો ભંગ થવાની ઘટના સોશિયલ મીડિયા દ્વારા પ્રકાશમાં આવી છે.
તાપી જિલ્લામાં સગાઈ કે લગ્ન પ્રસંગે ભીડ ભેગી કરી સરકારી ગાઈડ લાઈન ધ્યાને ન લેવાની જાણે પરંપરા બની ગઈ છે તેમ ગતરોજ વ્યારા તાલુકાનાં કપુરા ગામ ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગનો એક વિડીયો સોશિયલ મિડિયાનાં ગ્રુપમાં વહેતો થયો છે જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને ડી.જે.નાં તાલ ઉપર ઝૂમીને સોશિયલ ડિસ્ટન્સિંગનાં લીરેલીરા ઉડાવતા દેખાયા હતાં. જો કે, આ પ્રસંગમાં ફક્ત 50 કંકોત્રી છપાવી આમંત્રણ આપવામાં આવ્યું હતું છતાં લોકો ધીરે ધીરે એકત્રિત થયા હતાં જેથી સરકારી ગાઈડ લાઈનનો ભંગ થયો હોવાનું પરિવાર જણાવે છે.
ડોસવાડામાં બનેલી ઘટનાનાં ઘેરા પ્રત્યાઘાતો પડયા છે છતાં લોકો કોરોનાને ગંભીરતાથી નથી લઈ રહ્યાં અને તંત્ર પણ બેફિકર હોવાનું ફરીવાર પુરવાર થયું છે.