તાપી : ઉકાઈ ખાતે ૩૮ લાખના ખર્ચે ગ્રામ પંચાયત ભવનનું લોકાર્પણ
ગ્રામ પંચાયત એટલે વિકાસનું મંદિર. કોઈપણ કામનું પહેલુ પગથિયુ અહીંથી શરૂ થાય – આદિજાતિ, વન અને મહિલા બાળકલ્યાણ મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૨૯ઃ ઉકાઈ ડેમ જગવિખ્યાત છે. સમગ્ર દક્ષિણ ગુજરાતની કાયાપલટ ઉકાઈ ડેમને આભારી છે.તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલ ઉકાઈ ગ્રામ પંચાયતના મકાનનું લોકાર્પણ રાજ્યના આદિજાતિ,વન,મહિલા અને બાળ કલ્યાણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા ના અધ્યક્ષ સ્થાને, સાંસદ પરભુભાઈ વસાવા,કલેકટરશ્રી આર.જે.હાલાણી ની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
ઉકાઈ ગ્રામ પંચાયતના સરપંચ સહિત તમામ સદસ્યોને રાજ્ય સરકાર વતી અભિનંદન આપતા જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત એટલે વિકાસનું મંદિર કહેવાય છે. કોઈપણ કામની સીધી શરૂઆત ગ્રામ પંચાયતથી થાય છે.રાજ્ય કે કેન્દ્ર સરકારની તમામ યોજનાઓ નું પહેલુ પગથિયું ગ્રામપંચાયત છે. ઉકાઈ ગ્રામ પંચાયત સમગ્ર તાપી જિલ્લામાં ઉદાહરણરૂપ બની રહેશે. બધા જ રાજ્યોમાં કામ કરવાની પધ્ધતિ અલગ અલગ છે. ગુજરાતમાં ત્રણ તબક્કામાં પંચાયતી રાજ ચાલે છે. ગ્રામ પંચાયત,તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત. આપણાં પ્રધાનમંત્રીએ ગ્રામપંચાયતને સચિવાલયનો દરજ્જો આપ્યો છે. રાજ્યના મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શ હેઠળ સમગ્ર ગુજરાતમાં વિકાસ કામો હાથ ધરાયા છે. આજે નવનિર્મિત ઉકાઈ ગ્રામ પંચાયત ભવન જનભાગીદારી લોકફાળા સાથે રૂા.૩૮ લાખના ખર્ચે સાકાર થયું છે. ઉકાઈ ગ્રામ પંચાયતનું સ્વભંડોળ રૂા.૧૬,૬૦,૦૦૦ ના ખર્ચે કોઝ વે,ગેટ, કંપાઉન્ડવોલ,ફેન્સીંગ,બાગ- બગીચા જેવા વિકાસ કામોને કારણે ઉકાઈ બીજા ગામો માટે ઉદાહરણરૂપ બન્યું છે.લોકોને આવક-જાતિના દાખલા,ખેડૂતોના યોજનાકિય ફોર્મ અહીંથી જ ઘરબેઠા કામો થઈ શકશે.
સાંસદ પરભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત એ ગામનું ઘરેણું કહેવાય. તાપી જિલ્લાની ઉકાઈ ગ્રામ પંચાયત નગરપાલિકા સમકક્ષ છે. આ ગ્રામ પંચાયત ના નિર્માણ થકી લોકોને ડિજીટલ ઓનલાઈન સેવાઓ મળી રહેશે. જરૂરિરયાતમંદ લોકોને સ્થાનિક કક્ષાએ સુવિધા મળી રહેશે.
આ ગ્રામપંચાયત ભવન બનાવવા માટે જમીનની જરૂરિયાત વનવિભાગે એક જ મહિનામાં કામગીરી પૂર્ણ કરી અને પંચાયત ભવનનું નિર્માણ શક્ય બન્યું હતું.આમ સમગ્ર વહીવટી ટીમને મંત્રીશ્રી વસાવાએ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે વન વિભાગના સહયોગથી આદિવાસી પારંપારિક ભોજન સુવિધા ધરાવતા વનશ્રી રેસ્ટોરન્ટને પણ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સહિત મહાનુભાવો દ્વારા ખુલ્લુ મુકાયું હતું.
આ પ્રસંગે ડો.જયરામ ગામીત,સોનગઢ નગરપાલિકા પ્રમુખ ટપુભાઈ ભરવાડ,ઉકાઈ સરપંચશ્રી રોહિતભાઈ ગામીત,લાયઝન અધિકારીશ્રી એચ.એલ.ગામીત,પ્રાયોજના વહીવટદાર વિજયભાઈ પટેલ,પંચાયત માર્ગ અને મકાન કાર્યપાલક ઈજનેરશ્રી બારોટ સહિત અધિકારી,પદાધિકારીઓ અને વન વિભાગના કર્મચારીઓ,વનશ્રી રેસ્ટોરન્ટના સભ્યો ઉપસ્થિત રહયા હતા.
૦૦૦૦૦૦૦