મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે ભાજપ-સેના સમાધાન સાધશે?

Contact News Publisher

મુંબઈ, તા. 29 : વિધાનસભાની ચૂંટણી પછી મહારાષ્ટ્રમાં શિવસેનાએ અઢી વર્ષ માટે મુખ્ય પ્રધાનપદ અને સરકારમાં સમાન હિસ્સાની માગણી માટે અક્કડ વલણ અપનાવ્યું છે. બીજી તરફ ભાજપના નવા ચૂંટાયેલા વિધાનસભ્યોની આવતી કાલે મળનારી બેઠકમાં નેતાપદે દેવેન્દ્ર ફડણવીસની વરણી થશે એ નિશ્ચિત છે. જ્યારે બીજી તરફ ભાજપ અને શિવસેના વચ્ચે સરકારમાં સત્તાની સમાન વહેંચણી માટે ચાલતી ખેંચતાણનો લાભ લેવા કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસે પણ શિવસેનાની આગેવાની હેઠળની સરકારમાં જોડાવા અથવા બહારથી ટેકો આપવા માટે શિવસેના તરફથી નક્કર પ્રસ્તાવ માગ્યો છે.
દરમિયાન, મહારાષ્ટ્રમાં નવી સરકારમાં સત્તા અને હોદ્દાની વહેંચણીના મુદ્દે ભાજપ અને શિવસેના વચ્ચે મતભેદો છે ત્યારે ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું હતું કે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને શિવસેનાના વડા ઉદ્ધવ ઠાકરે સત્તાની સમાન વહેંચણીની ફૉર્મ્યુલાને અંતિમરૂપ આપશે.
ભાજપનાં સૂત્રોએ જણાવ્યું હતું કે અમિત શાહ આવતી પહેલી કે બીજી નવેમ્બરે મુંબઈ આવશે. તે સમયે ઉદ્ધવ ઠાકરેને મળીને ભાજપ અને શિવસેના વચ્ચે સત્તાની વહેંચણીની ફૉર્મ્યુલાને અંતિમરૂપ આપશે. જોકે, તેમાં મુખ્ય પ્રધાનપદના હોદ્દાની વહેંચણીનો સમાવેશ થતો નથી. નવી સરકારની શપથવિધિ ત્રીજી નવેમ્બરે થાય એવી સંભાવના છે, એમ સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમિયયાન, કૉંગ્રેસના અગ્રણી અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે આજે પુણેમાં જણાવ્યું હતું કે, અમને શિવસેના તરફથી મહારાષ્ટ્રમાં સરકાર રચવા અંગે નક્કર દરખાસ્ત મળી નથી. અમે તે દિશામાં આગેવાની નહીં લઈએ. આમ છતાં જો શિવસેના નક્કર દરખાસ્ત રજૂ કરશે તો અમે તે મોવડીઓ સમક્ષ મૂકશું. શિવસેનાનો પ્રસ્તાવ કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી બન્ને માટે હોવો જોઈએ.
દરમિયયાન, વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ પછી શિવસેના પોતાનો મુખ્ય પ્રધાન બિરાજે એ માટે રાજ્ય ઉપર દબાણ લાવવાના પ્રયત્નશીલ છે. પરિણામો પછી શિવસેનાના નેતા દિવાકર રાવતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળ્યા હતા. ત્યાર પછી મુખ્ય પ્રધાન ફડણવીસ અલગ રીતે રાજ્યપાલને મળ્યા હતા. ભગતસિંહ કોશિયારી આજે ઉત્તરાખંડમાં તેમની બીમાર બહેનના ખબરઅંતર પૂછવા ગયા છે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *