વ્યારા ખાતે કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓની બેઠક યોજાઈ
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : કલેક્ટર આર.જે.હાલાણીએ વર્તમાન કોવિદ-૧૯ની પરિસ્થિતિને ધ્યાને લઈ વિવિધ વ્યાપારી મંડળના અગ્રણી/પ્રતિનિધિઓ સાથે કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા અંગે જિલ્લા સેવા સદનના સભાખંડમાં બેઠક યોજી હતી.
આ બેઠકમાં કોરોના સામે સાવધ રહેવા માર્ગદર્શન અને ટ્રીટમેન્ટ પ્રોટોકોલના સર્વેલન્સ માટેના જરૂરી સૂચનો પર ચર્ચા કરવામાં આવી હતી. તાપી જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવી શકાય તે માટે વહીવટી તંત્ર અને સ્વચ્છિક સંગઠન આગેવાનોના સહિયારા પ્રયાસો થકી કોવિડ-૧૯ની નિયંત્રણ વ્યૂહ રચના વધુ સઘન બનાવવા અંગે પરસ્પર સૂચનોનું આદાનપ્રદાન કરાયું હતું.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, કોરોનાના કેસો હાલમાં બહુ ઝડપીથી વધી રહ્યા છે. જેના કારણે મહામારીના સંક્રમણ ફેલાવવાની શક્યતા વધી રહી છે. આ સમસ્યાના ઉકેલ માટે આપણા સૌની સંયુક્ત જવાબદારી છે. ધંધાનું સ્થળ હોટલ, દુકાન, સ્ટો૨, મોલમાં આવનાર ગ્રાહક માસ્ક પહેરીને જ આવે તેમજ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ સોશ્યલ ડીસ્ટન્સ જાળવે તે જોવાની આપણી સૌની જવાબદારી છે. તેમ જણાવી સેનેટાઈઝરની વ્યવસ્થા કરવા અને આ વ્યવસ્થા સતત જળવાઈ રહે તે જોવા પણ જરૂરી સુચનો કર્યા હતા.બેઠકમાં જિલ્લા પોલિસવડા સુજાતા મજમુદાર,નગર પાલિકા પ્રમુખ મહેરનોષ જોખી,વિવિધ વ્યાપારી સંગઠનોના આગેવાન/પ્રતિનીધીઓ સહિત સબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.