માંગરોળ તાલુકાના મોસાલી ચોકડી ખાતે માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલી ગટર જર્જરીત થતાં આખરે દુકાનદારોએ પોતાના પેસે ગટર બનાવવાનું શરૂ કર્યું
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી તડકેશ્વર, નાનીનરોલી, મોસાલી ચોકડી, વાલીયા રાજ્યધોરીમાર્ગ અને કોસંબા, કોસાડી,મોસાલી ચોકડી, ઝંખવાવ રાજ્યધોરીમાર્ગ પસાર થાય છે. આ બંને માર્ગો મોસાલી ચોકડી ખાતે ક્રોસ થાય છે. આમ ચારે તરફ રાજ્યધોરી પસાર થાય છે. જેથી ચોમાસાની મોસમના પાણીના નિકાલ માટે માર્ગ અને મકાન વિભાગ તરફથી મોસાલી ચોકડી ખાતે માર્ગની બાજુમાં પાકી ગટરો બનાવવામાં આવેલી છે. પરંતુ આ ગટરો બ્લોક થઈ જતાં તથા ચાલુ વર્ષે ચોમાસાની મૌસમ પૂર્ણ થતી વખતે વ્યાપક વરસાદ પડતાં આ ગટરલાઈનો પાણીથી ઉભરાઈ જતાં વરસાદી પાણી માર્ગની નજીકની દુકાનો સુધી પોહચી ગયું હતું. માર્ગ અને મકાન વિભાગ તરફથી જે ગટર લાઈનો બનાવવામાં આવેલી છે એની ઉપરનાં ધાકળો ખુબજ તકલાદી હોવાથી આ ધાકળો ઉપર કોઈ હેવી વાહન ચઢી જાય તો ધાકળો તરતજ તૂટી જાય છે. જેને પગલે ગટર લાઈનો બ્લોક થઈ જવા પામી છે. આખરે મોસાલી ચોકડી ખાતે વેપાર કરતાં વેપારીઓએ પોતાનાં ખર્ચે પાઈપો લાવી, ગટરની સફાઈ કરાવી, પાઈપો નાંખવાની કામગીરી શરૂ કરી છે. જે વેપારીઓ સધ્ધર છે. એમણે પોતાનાં ખર્ચે આ કામગીરી શરૂ કરાવી છે, પણ જે વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી છે. એ વેપારીઓનું શું? ત્યારે માર્ગ અને મકાન વુભાગ તરફથી આ ગટરોની સફાઈ કરાવી મજબૂત ધાકણો મુકવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.