સાપુતારા માલેગામ ઘાટમાર્ગના યુટર્ન પર ધડાકાભેર અથડાયા બાદ અચાનક આગ ફાટી નીકળતા ચાલક કેબીનમાં જીવતો ભૂંજાયો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, સોમવારે મળસ્કે નાશીકથી શેરડીનો જથ્થો ભરી સુરત જતો આઇસર ટેમ્પો ઘાટમાર્ગના યુટર્ન પર ધડાકાભેર અથડાયા બાદ અચાનક આગ ફાટી નીકળતા ચાલક કેબીન માં ફસાઈ જઇ જીવતો ભૂંજાઈ જતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ જવા પામી હતી.
મળતી માહિતી મુજબ સાપુતારા માલેગામ ઘાટમાર્ગ વાહન ચાલકો માટે દિનપ્રતિદિન ગોઝારો બની રહ્યો છે. રવિવારે કપાસ ભરેલી ટ્રક પલટી ગયા બાદ સોમવારે મળસ્કે નાસિક થી સુરત શેરડીનો જથ્થો ભરી જઇ રહેલ આઇસર ટેમ્પો ન GJ 19 X 6663 ની યુ ટર્ન પર અચાનક બ્રેક ફેલ થતા બેકાબુ બનેલ ટેમ્પો માર્ગ સાઈડની સંરક્ષણ દીવાલ સાથે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, અકસ્માત ને પગલે ટેમ્પોમાં આગ ફાટી નીકળતા કેબીનમાં ફસાઈ ગયેલા ચાલક જીવતો ભૂંજાઈ જતા કરુણ મોત નીપજ્યું હતું.મળસ્કે બનેલ ઘટના માં સ્થાનિક સહિત ત્યાંથી પસાર થતા વાહન ચાલકો આગ ઓલવવાના સાધનો વગર નિસહાય બની જવા પામ્યા હતા.અકસ્માતમાં મરણ જનાર ચાલક મહેન્દ્રસિંહ રાજપૂત ઉ.47.રહે સુરતનું કમકમાટીભર્યું મોત નિપજતા આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. બનાવ સંદર્ભે સાપુતારા પોલીસે અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.