વાંકલ ખાતે આવેલી સરકારી વિજ્ઞાન કોલેજમાં રેશમના કીડાના ઉછેર વિષે વેબીનાર યોજાયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં વાંકલ ખાતે કાર્યરત સરકારી વિજ્ઞાન કોલેજમાં પ્રાણીશાસ્ત્ર વિભાગ અને વાઇલ્ડલાઈફ એન્ડ કન્ઝર્વેશન બાયોલોજી રીસર્ચ ફાઉન્ડેશન દ્વારા રેશમના કીડાના ઉછેર વિષે વેબીનાર યોજાયો હતો. કોલેજના આચાર્યશ્રી ડૉ. પાર્થિવ ચૌધરીએ રેશમના કીડાના ઉછેર અને રેશમ ઉત્પાદન માટે આહવાન કર્યું હતું અને વેબીનાર માટે શુભેચ્છાઓ પાઠવી હતી. વેબીનારમાં તજજ્ઞ તરીકેનું યોગદાન નવસારી કૃષિ યુનિવર્સિટીના એન્ટોમોલોજી વિભાગના એન. એમ. એગ્રીકલ્ચર કોલેજના આસીસ્ટન્ટ રીસર્ચ સાયન્ટીસ્ટ ડૉ.મુકેશ આર. સિધ્ધપરા દ્વારા આપવામાં આવ્યું હતું. વેબીનારમાં રેશમના કીડાનો ઉછેર, રેશમના કીડાના પ્રકારો, તેનો ઉછેર કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ, સાચવણી, જીવાતો અને રોગો, રેશમ ઉત્પાદન,તેનું આર્થિક મહત્વ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.વેબીનારમાં જુદી જુદી કોલેજોના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. વેબીનારનું સફળ આયોજન પ્રાણીશાસ્ત્ર વિભાગના વિભાગીય અધ્યક્ષ ડૉ.રાજેશ સેનમા, ડબલ્યુ.સી.બી. રીસર્ચ ફાઉન્ડેશનના ડૉ. નિશિથ ધારૈયા તથા ડૉ. એચ.વી. જોશી, ડૉ. પુષ્પા શાહ, જીગર પટેલ, મુબીના આજમ અને શીતલ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.