ઝંખવાવ થી કોસંબા રાજ્યધોરીમાર્ગની બંને સાઈડો ઉપર ઉગેલી જંગલી વનસ્પતિ સાફ કરવાનું કામ શરૂ કરતું માર્ગ અને મકાન વિભાગ : વાહનચાલકોમાં આનંદ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકામાંથી ઝંખવાવ થી કોસંબા જતો રાજ્યધોરીમાર્ગ પસાર થાય છે. અંદાજે આ રાજ્ય ધોરીમાર્ગની લંબાઇ આશરે પચાસ કિલોમીટર જેટલી છે. આ રાજ્યધોરીમાર્ગ સતત ચોવીસ કલાક નાના મોટા વાહનોથી ધમધમે છે. પરંતુ ચાલુ વર્ષે ચોમાસું ખૂબ જ સારૂ જતાં આ માર્ગની બંને તરફ ખૂબ મોટાપાયે જંગલી વનસ્પતિ ઉગી નીકળી છે.આ વનસ્પતિ એટલી મોટી થઈ ગઈ છે કે માર્ગની બંને સાઈડો સુધી આવી ગઈ છે. ઘણીવાર આ વનસ્પતિમાંથી એકાએક ડુક્કર, કૂતરા કે ચરવા માટે આવતાં પશુઓ ઓચિંતા માર્ગ ઉપર આવી જતાં હોય ત્યારે અકસ્માત થવાના બનાવો બની રહ્યા છે. હવે ચોમાસાની મૌસમ વિદાય લઈ ચુકી છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગની (સ્ટેટ,માંડવી) કચેરી તરફથી આ માર્ગની બંને સાઈડો પર જે જંગલી વનસ્પતિ ઉગેલી છે. એની JCB દ્વારા સફાઈ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. આ કામગીરી શરૂ કરવામાં આવતાં વાહનચાલકોમાં આનંદની લહેર પ્રસરી છે.