કોરોનાનો ભય હવે પ્રજામાંથી દૂર થઈ રહ્યો છે : મોસાલી ખાતે દર મંગળવારે ભરાતો હાથ બજાર હવે રાબેતા મુજબ શરૂ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તરફથી માંગરોળના મોસાલી ખાતે આવેલા માંગરોળ માર્કેટ સબયાર્ડ ખાતે દર મંગળવારે હાથ બજાર શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ કોરોનાની મહામારીને પગલે આ હાથ બજારનું આયોજન ખોરવાઈ જવા પામ્યું હતું.પરંતુ હવે ગ્રામીણ વિસ્તારમાં કોરોનાની મહામારીમાં ઘટાડો થઈ રહ્યો છે. સાથે જ જનજીવન, મજૂરી કામો, એસ ટી બસ સેવા, ઉદ્યોગો, બજારો રાબેતા મુજબ સરકારની ગાઈડ લાઈન મુજબ શરૂ થઈ રહ્યા છે. જેને પગલે માંગરોળ તાલુકાનાં મોસાલી ખાતે આવેલા માંગરોળ સબયાર્ડ ખાતે આજે તારીખ ૨૦ મી ઓક્ટોબરથી જે દર મંગળવારે હાથ બજાર ભરાતો હતો. તે આજથી રાબેતા મુજબની ચેનલમાં શરૂ થઈ ગયો છે.જો કે હાથ બજારો ગરીબ અને મધ્યમ વર્ગની પ્રજા માટે આશીર્વાદ રૂપ પુરવાર થયો છે. સાથે જ આસપાસના ગામોનાં ખેડૂતો માટે પણ લાભદાયી નિવડ્યો છે.કેમ કે ખેડૂતો પોતાનાં ખેતરની શાકભાજી સીધા ગ્રાહકને વેચી શકે જેથી દલાલોની દલાલીમાંથી ખેડૂતો બચી જાય છે. જેથી એનો સીધો ફાયદો ગ્રાહકોને થાય છે. ગ્રાહકોને ઓર્ગેનિક શાકભાજી બજાર કરતાં સસ્તા ભાવે મળે છે. આમ આ હાથ બજાર પ્રજાજનો માટે આર્શીવાદરૂપ પુરવાર થયો છે.