અમદાવાદ જિલ્લો ગલગોટાની ખેતીમાં ત્રણ વર્ષથી ઉત્પાદન અને વિસ્તારની દ્રષ્ટિએ મોખરે
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : ગલગોટાનું વાવેતર ૧૦૧૮ હેકટર વિસ્તારમાં ફૂલો લોકોની ધાર્મિક આસ્થા, તહેવારો અને પ્રસંગો સાથે અદ્ભૂત રીતે જોડાયેલા હોય છે, લોકજીવન સાથે વણાયેલા હોય છે. કોઇપણ ફૂલો બજારમાં, ધાર્મિક સ્થળોની આસપાસ આસાનીથી મળી રહે છે. તેમાં સરળતાથી ઉપલ્બ્ધ એક એવું ફૂલ એટલે ગલગોટાનું ફૂલ. નાના-મોટાં સૌનું પ્રિય આ ફૂલના વાવેતર અને ઉતપાદનમાં સમગ્ર રાજ્યમાં અમદાવાદ જીલ્લાનું સ્થાન છેલ્લા ત્રણ વર્ષથી પ્રથમ રહ્યું છે. જે જીલ્લા માટે ગૌરવની બાબત છે.
જિલ્લા બાગાયત નિયામક શ્રી જે.આર પટેલે જણાવ્યુ કે, ગુજરાતમાં ફૂલોનો વાવેતર વિસ્તાર ૨૦૩૦૦ હેક્ટર જેટલો છે અને તેમાંથી કુલ ઉત્પાદન ૧ લાખ ૯૫ હજાર મેટ્રિક ટન જેટલો ફૂલોનો ઉતારો મળે છે. અમદાવાદ જિલ્લામાં ફૂલ પાકોમાં ગલગોટા, ગુલાબ, ગેલાડિયા, સેવંતી અને બસંતી વગેરે જેવા વિવિધ પ્રકારના ફૂલો જિલ્લાના ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. જેમાં મહત્તમ વાવેતર દ્શ્ક્રોઇ અને ધોળકા તાલુકામા ગુલાબ અને ગલગોટાનું થાય છે. અમદાવાદ જિલ્લામાં ગયા વર્ષે ગલગોટાનું વાવેતર ૧૦૧૮ હેકટર જેટલા વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું. જે ઉત્પાદન અને વિસ્તારની દ્ર્ષ્ટિએ સમગ્ર રાજયમાં પ્રથમ હરોળમાં રહ્યું છે.
રોકડિયા પાકોની અંદર ગણના થતાં છુટા ફૂલ પાકોમાં ગેલાડિયા અને ગલગોટા આવે છે . જેમા ગલગોટા બે પ્રકારના છે એક છે ફ્રેન્ચ મેરીગોલ્ડ અને બીજું છે આફ્રિકન મેરીગોલ્ડ. આ બે જાતનાં ફૂલોની ખેતી અમદાવાદ જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે
ખેડૂતોની સંદેશો આપતા બાગાયત નિયામક શ્રી જે.આર પટેલે વધુમાં જણાવ્યું કે; ‘’ આ એક રોકડિયો પાક છે. જેમાંથી ખૂબ જ ઓછા વિસ્તારમાં વધુ ઉત્પાદન અને નાણાં મેળવી શકાય છે. ફૂલોની ખેતીમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ખાસ પ્રોત્સાહનના ભાગરૂપે સહાય અને સબસીડી પણ આપવામાં આવે છે. જેમાં આ પ્રકારની ફૂલોની ખેતી કરતા મોટા ખેડૂતોને મહત્ત્મ ૪ હેકટર દીઠ ૧૬૦૦૦ રૂપિયા સબસીડી, નાના અને સિમાંત ખેડૂતોને ૨૨૦૦૦ રૂપિયા સબસિડી આપવામાં આવે છે તથા અનુસુચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના ખેડુતોને માટેનું સહાયનું ધોરણ મોટા ખેડૂત માટે રૂપિયા ૨૦,૦૦૦ અને નાના અને સિમાંત ખેડૂતોને રૂપિયા ૨૬૦૦૦ સબસીડી મળવાપાત્ર છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીનું સ્વપ્ન છે કે વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવી. એ માટે ખેડૂતોએ અન્ય પાકો સાથે સાથે હવે ફુલોની ખેતી થકી આવક વધારી શકાય છે અને તેનાથી ઓછા રોકાણની અંદર વધારે નફો ઓછા સમયમાં મળે છે . તે માટે ખેડૂતોને સમયાંતરે પ્રોત્સાહન અને પ્રેરણા બાગાયત વિભાગ તરફથી આપવામાં આવે છે. તેથી ટૂંકા સમયમાં વધુ રોજગારી આપતા ફુલ પાકોની પસંદગી ખેડૂતોએ કરવી જોઇએ તેમ તેમણે જણાવ્યું હતું.