ડાંગ જિલ્લાના કોંગી ધારાસભ્ય મંગળ ગાવીતે પોતાના 500 કાર્યકર્તાઓ સાથે કેસરિયો ધારણ કર્યો
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ નાં પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિત વિધિવત રીતે ભાજપમાં જોડાતા જિલ્લાના રાજકારણ માં ગરમાટો આવી જવા પામ્યો છે. મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી. પટેલ ની હાજરીમાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે આહવા ખાતે ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.ધારસભ્ય પદે થી રાજીનામું આપ્યા બાદ મંગળ ગાવીતે પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી માથી ટિકિટ માંગી હતી જોકે ભાજપે મંગળ ગાવિતને ટીકીટ ન આપી પરંતુ પાર્ટીમાં જોડી કોંગ્રેસ નાં પરંપરાગત મતો પોતાના તરફ કરવાનો રાજકીય દાવ ખેલ્યો છે. આ પ્રસંગે મંગળ ગાવિતે કૉંગ્રેસ નો હાથ છોડી ભાજપને સાથ આપવાનું નક્કી કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર 3જી નવેમ્બરે ગુજરાત રાજ્યની ખાલી પડેલ 8 બેઠકો ઉપર પેટા ચૂંટણી યોજાનાર છે. જેમાં 173 ડાંગ વિધાનસભાની આદિવાસી બેઠક પણ સમાવિષ્ટ છે. ગત માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી ટાણે કોંગ્રેસનાં ધારાસભ્ય પદેથી મંગળભાઈ ગાવીતે રાજીનામું આપ્યું હતું. ત્યારે આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીતે રાજ્યમાં ભાજપની સરકાર હોઈ અહીં વિકાસ ન થતો હોવાનું કહી રાજીનામુ આપ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યારે આજરોજ આહવા ખાતે મંત્રી ગણપત વસાવા , મંત્રી ઈશ્વર પરમાર, પૂર્વ મંત્રી કરશન પટેલ અને સાંસદ કે.સી.પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓની ઉપસ્થિતમાં કેસરિયો ધારણ કર્યો હતો.
ડાંગ જિલ્લાનાં માજી ધારાસભ્ય મંગળભાઈ ગાવીત પોતાના 500 કાર્યકતાઓ સાથે કેસરિયો ધારણ કરતાં જિલ્લાના રાજકારણમાં ગરમાટો આવી જવા પામ્યો છે. ભાજપનો ભગવો ધારણ કરી મંગળભાઈ ગાવીતે જણાવ્યું હતું કે તેઓ વિકાસ પુરુષ નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વ હેઠળ આગળ વધવા માંગે છે. મંગળભાઈ ગાવીતે ગતરોજ રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી જોડે મુલાકાત કરી હતી. જે બાદ આજરોજ મંગળભાઈ ગાવીતે ડાંગ જિલ્લાના દરેક વિસ્તાર માંથી 500 જેટલા ગ્રામ્ય, તાલુકા અને જિલ્લા લેવલનાં પોતાના કોંગી કાર્યકર્તાઓને ભગવો ધારણ કરાવ્યો હતો.
ડાંગ જિલ્લામાં કોંગ્રેસ પક્ષનાં કદાવર નેતા મંગળ ગાવીતે કેસરિયો ધારણ કરી લેતાં ડાંગ કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો છે. કારણ આ પહેલાં પણ મંત્રી ગણપત વસાવ અને મંગળભાઈની ઉપસ્થિતીમાં હજારોની સંખ્યામાં કોંગી કાર્યકરોએ કેસરિયો ધારણ કરી લીધો છે.