માંગરોળના નૌગામા ગામે સુરત જિલ્લા ભાજપના મહામંત્રીના ઘરને નિશાન બનાવતા તસ્કરો : દોઢ લાખ રોકડા અને સોનાના ઘરેણાંની થયેલી ચોરી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં નૌગામા ગામે પટેલ ફળિયામાં રહેતાં, ભરતભાઈ શિવાભાઈ પટેલનાં મકાનને રાત્રી દરમિયાન તસ્કરોએ નિશાન બનાવી ઘરમાંથી દોઢ લાખ રૂપિયા રોકડા અને સોનાનાં ઘરેણાં જેની અંદાજીત કિંમત ૭૫ હજાર મળી કુલ બે લાખ, પચ્ચીસ હજારની ચોરી થઈ હોવાનો બનાવ બન્યો છે.
ભરતભાઇ શિવાભાઈ પટેલ કે જે સુરત જિલ્લા ભાજપના મહામંત્રી અને નૌગામાની વિવિધ સહકારી સંસ્થાઓમાં હોદ્દેદાર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે જ એક મોટા ખેડૂત અને પશુપાલક પણ છે. ભરતભાઈ પટેલ અને એમનો પરિવાર પોતાનું નૌગામા ગામે પટેલ ફળિયામાં આવેલા મકાનમાં માળ ઉપર સુતેલા હતા. તે દરમિયાન ગત રાત્રી દરમિયાન કોઈ પણ સમયે તસ્કરોએ એમનાં મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી, ઘરનું કબાટ તોડી દોઢલાખ રૂપિયા રોકડા અને સોનાનાં ઘરેણાં જેની અંદાજીત કિંમત ૭૫ હજાર રૂપિયા મળી કુલ બે લાખ, પચ્ચીસ હજારની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા છે. આ માહિતી ભોગ બનનાર ભરતભાઈ પટેલે આપી છે સાથે જ એમણે જણાવ્યું છે કે અન્ય કાગળો સહિતની વસ્તુઓ વેર વિખેર કરી ગયા છે. ઘણા લાંબા સમય પછી માંગરોળ પોલીસ મથકનાં કાર્યક્ષેત્રમાં આવતાં ગામોમાં આ બનાવ બન્યો છે. જો કે પોલીસ દ્વારા રાત્રી પેટ્રોલીંગ તો કરવામાં જ આવે છે. છતાં આ બનાવ કેમ બન્યો એ એક ચર્ચાનો વિષય બન્યો છે. જો કે ભાજપના જ જિલ્લા મહામંત્રી ભોગ બનતાં અન્ય નાગરિકો સજાગ રહેવા તૈયાર થઈ જવાની ચર્ચા કરી રહ્યા છે. જો કે આ બનાવની જાણ માંગરોળ પોલીસને કરાતાં પોલીસ ટીમ નૌગામાં જવા રવાના થઈ હતી.