માંડવીના કિમ ડુંગરા ગામ ખાતે એક બોગસ તબીબ ઝડપાયો
કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો હોવાથી તેના વિરુદ્ધ ગુનો નોંધાયો
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : માંડવીના કિમ ડુંગરા ગામ ખાતે વિના કોઈ આધારપુરાવા કે લાઇસન્સ વગર મેડીકલ પ્રેક્ટિસ કરતો એક બોગસ ડોક્ટર ઝડપાયો. દવાખાનાની દવાઓ તેમજ અન્ય ચીજો થઇ કુલ રૂ. ૧૬,૭૪૫ નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે ડોક્ટર વિરુદ્ધ ગુનો નોંધાયો.
પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી પોલીસને બાતમી મળી હતી કે કિમ ડુંગરા ગામ ખાતે નવી વસાહટ માં વિના આધાર પુરાવા એ એક બોગસ ડોક્ટર દ્વારા મેડીકલ પ્રેક્ટિસ કરવામાં આવી રહેલ છે. પોલીસ દ્વારા સ્થળ પર જઇ તપાસ કરતા એક વ્યક્તિ ત્યાં બેઠો હતો. તેને પૂછવામાં આવ્યું કે ડોક્ટર ક્યાં છે. તો તેણે જણાવ્યું કે હું જ ડોક્ટર છું. ત્યારબાદ તેની પાસે મેડીકલ પ્રેક્ટિસના આધાર પુરાવા માંગતા કોઈપણ આધાર પુરાવા ન હોવાનું જણાવ્યું હતું. તેને તેનું નામ ઠામ પુછતા તેણે પોતાનું નામ મિરીનલભાઈ મનોરંજનભાઈ ઠાકુર (ઉ.વ.૩૮, રહે. નવી વસાહટ, કિમ ડુંગરા, મૂળ રહે. રંગાપુર, વેસ્ટ બંગાળ, કલકત્તા)નો હોવાનું જણાવ્યું હતું. દવાખાનાની દવાઓ તેમજ અન્ય ચીજો થઇ કુલ રૂ. ૧૬,૭૪૫ નો મુદ્દામાલ જપ્ત કરી માંડવી પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ વિના સર્ટીફીકેટ કે આધાર પુરાવા એ મેડીકલ પ્રેક્ટિસ કરી અન્ય લોકોના જીવને જોખમમાં મુકવા બદલ તેના વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.