માંગરોળ થી નાનીપારડી જતા માર્ગ પર માંગરોળ ગામની નજીક દીપડો નજરે પડ્યો
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : છેલ્લા ઘણાં લાંબા સમયથી ગ્રામીણ વિસ્તારોમાં રહેઠાણોની નજીકનાં વિસ્તારમાં દીપડાઓ નજરે પડી રહ્યાના અનેક બનાવો બની રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં દિપડાઓએ બકરા, મરઘાં સહિતનાં જનાવરોને નિશાન બનાવ્યાના બનાવો પણ બન્યા છે. સાથે જ વનવિભાગ તરફથી કેટલાંક સ્થળોએ પાંજરા ગોઠવી દીપડાઓને પકડી જગલમાં સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યા છે. છતાં હજુ પણ ગ્રામીણ વિસ્તારોમાં રહેરણાંકો ની નજીક રાત્રી દરમિયાન દીપડાઓ આવતાં પ્રજાજનોમાં ભયનો માહોલ ઉભો થવા પામ્યો છે. તાજેતરમાં તાલુકા મથક માંગરોળ થી નાનીપારડી જતા માર્ગ પર માંગરોળ ગામના રહેરણાંક વિસ્તારની બિલકુલ નજીક એક ફાર્મ હાઉસ આવેલું છે. તે વિસ્તારમાં રાત્રી દરમિયાન એક દીપડો લટાર મારતો નજરે પડતા પ્રજાજનોમાં ભય ઉભો થવા પામ્યો છે. આ માર્ગ પર થઈ નાનીપારડીના મજૂરો આવ જાવ કરે છે. ત્યારે આ મજૂરો માટે રાત્રીના સમયે આ માર્ગ પર થઇ પોતાનાં ગામમાં કઈ રીતે જવું એ એક વિકટ પ્રશ્ન ઉભો થયો છે. ત્યારે વનવિભાગની કચેરી તરફથી આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.