૧૭૩-ડાંગ વિધાનસભા મતવિસ્તારમાં આદર્શ આચાર સંહિતાનો ચુસ્તપણે અમલ કરાશે
પ્રચાર, પ્રસાર સહિત વિકાસકામોના ખાતમુહૂર્ત/લોકાર્પણ અને કર્મચારી/અધિકારીઓની બદલી/રજા ઉપર રોક
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરની અધ્યક્ષતામાં મળી ઉચ્ચસ્તરીય બેઠક
ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા નોડલ ઓફિસરોને અપાયુ ઉચિત માર્ગદર્શન
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : તા: ૧: ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત થતા જ ડાંગ જિલ્લામાં (૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર મંડળ) આદર્શ આચાર સંહિતાના અમલ માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લાના અમલીકરણ અધિકારીઓને કેટલાક દિશનિર્દેશ અપાયા છે.
જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે ચૂંટણી પંચની માર્ગદર્શિકા મુજબ જિલ્લામાં યોજનાકીય પ્રચાર પ્રસાર સહિત વિકાસ કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણ સહિત વિકાસ કામોની સમીક્ષા બેઠકો સહિતની કામગીરી બંધ રાખવા અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું.
ડાંગ જિલ્લામાં ચૂંટણી કામગીરી સાથે સંકળાયેલા વિવિધ વિભાગો/સમિતિઓના નોડલ ઓફિસરોને માર્ગદર્શન આપતા શ્રી ડામોરે ડાંગ જિલ્લાની સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ હાથ ધરવાની થતી કામગીરી બાબતે સૂક્ષ્મ વિગતો આપતા ચૂંટણી કામગીરી માટે ઓબ્ઝર્વરશ્રીની નિમણૂક સહિત, ચૂંટણીલક્ષી કામગીરી સાથે સાંપ્રત કોવિડ-૧૯ ની સ્થિતિને ધ્યાને લઈને ખૂબ જ ચોકસાઈ સાથે દરેક વિભાગ તેની કામગીરી હાથ ધરે તે આવશ્યક છે તેમ જણાવ્યું હતું.
વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરોને તેમના હસ્તકની કામગીરી ખુબ જ ચોક્સાઈ સાથે હાથ ધરવાની હિમાયત કરતા જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ ડાંગ જિલ્લામાં નિષ્પક્ષ અને ન્યાયી ચુંટણી યોજાઈ તે માટે સૌ અધિકારીઓને તેમના હસ્તકની કામગીરી નિયત સમયમા, પારદર્શી રીતે હાથ ધરવાની પણ સુચના આપી હતી.
પ્રચાર સામગ્રી દૂર કરવાની કામગીરી નિયત સમય મર્યાદામા દૂર કરવાની સૂચના આપતા જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.કે.ડામોરે સરકારી માલ, મિલકતનો પ્રચાર પ્રસાર હેતુ ઉપયોગ ન થાય તેની તકેદારી દાખવવાની પણ સૂચના આપી હતી. નોડલ અધિકારીઓને તેમના હસ્તકમાં ઉપલબ્ધ મેનપાવર અને સાધન, સુવિધાઓનો સમુચિત ઉપયોગ કરીને તેમની કામગીરી નિર્વિઘ્ને પર પડવાની પણ જિલ્લા ચુંટણી અધિકારીશ્રીએ આ વેળા હિમાયત કરી હતી.
ડાંગ જિલ્લા સેવા સદનના સભાખંડમા યોજાયેલી અગત્યની બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.કે.વઢવાણિયા, નિવાસી અધિક કલેકટર શ્રી ટી.કે.ડામોર, નાયબ પોલીસ અધિકારીશ્રી, અધિક કલેકટર શ્રી કે.જી.ભગોરા અને આર.બી.ચૌધરી, પ્રાંત અધિકારી કાજલ ગામીત, સહિતના વરિષ્ઠ અધિકારીઓ કે જેઓ ચૂંટણી સંબંધિત વિવિધ સમિતિઓના નોડલ ઓફિસરો તરીકે નિયુક્ત કરાયા છે તેમને ઉપસ્થિત રહી ચર્ચામાં ભાગ લીધો હતો.
નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ બેઠકની કાર્યવાહી સંભાળી હતી.