સુરત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા માંડવી ખાતે તાલીમ શિબિર યોજાઈ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સૂરત અને ઈફકો, સુરત દ્વારા માંડવી ખાતે આંગણવાડીની બહેનો તથા ખેડુત બહેનો માટે કેપીસીટી બિલ્ડઅપ માટેની તાલીમ શિબિર યોજવામાં આવી હતી. કાર્યક્રમમાં તાલુકાની આંગણવાડી મહિલા તથા ખેડુત બહેનોએ સક્રિય ભાગ લીધો હતો કાર્યક્રમમાં પૌષ્ટિક વાનગીની હરીફાઈ પણ યોજવામાં આવી હતી. જેમાં ૨૬ બહેનોએ વિવિધ પોષણકીય વાનગી બનાવી હતી તેમજ ઉતમ ત્રણ વાનગીને વિશેષ ઈનામ-સન્માન તથા સ્પર્ધક બહેનોને પ્રોત્સાહક ઈનામ આપવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત બહેનોને ઈફ્ફકો તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા શાકભાજી કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું કેન્દ્રના વડા ડો.જનકસિંહ રાઠોડે ભવિષ્યમાં બાયોફોર્ટીફાઈડ વેરાયટીની અગત્યતા વિશે વિસ્તુત માહિતી આપી હતી. તેમજ ઈફકોના અધિકારી અંકિંતભાઈ મહેશ્વરીએ ગ્રામ્ય કક્ષાએ ઉપયોગી ઈફકોની વિવિધ સહાયકારી યોજનાઓ વિશે સમજ આપી હતી. કૃષિ વૈજ્ઞાનિક ગીતાબેન ભીમાણીએ કુપોષણને લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. જેથી કુપોષણના ચક્રમાંથી બચવા માટે આહાર પ્રત્યે મહિલાઓ પુરતુ ધ્યાન આપે તેમજ ન્યુટ્રી થાલી અને સમતોલ આહાર વિશે માહિતી પૂરી પાડી હતી. ICDS માંડવીના અધિકારી ઉન્નતિબેન ચૌધરીએ આંગણવાડીની મહિલાઓ આંગણવાડી કેન્દ્ર ખાતે કિચન ગાર્ડન બનાવે તે વિષે સલાહ સૂચનો આપ્યા હતા. કૃષિ વૈજ્ઞાનિક ડો. એસ.કે. ચાવડાએ કિચન ગાર્ડનના વિવિધ મોડેલો વિશે મહિલાઓને માહિતી આપી હતી તેમજ કેવિકેના ડો.આર.કે.પટેલ દ્વારા મહિલાઓને બાગાયતી પાકોની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ તથા પાક સંરક્ષણ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.