ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળો પર શની રવિની રજામાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડયા
(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગિરિમથક સાપુતારા ખાતે સરકારી ખાનગી હોટલો હાઉસફુલ થઈ જતા નાના મોટા ધંધાર્થીઓને આવક માં રાહત મળી હતી.
મળતી માહિતી મુજબ કોરોના મહામારીમાં સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા ધાર્મિક, પ્રાકૃતિક સ્થળો બંધ કરી દેવાયા છે. તેમ છતાં ચોમાસા દરમિયાન ગિરિમથક સાપુતારા સહિત ડાંગ નું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠતું હોય પ્રવાસપ્રિય ગુજરાતી પ્રજા ઘરે પુરાય રહેવાનું મુનાસીબ ન માની શની રવિની વિકેન્ડ માણવા ડાંગ તરફ દોટ મૂકી દે છે. સાપુતારા ખાતે દિવસભર ધૂમમમસીયું વાતાવરણ વચ્ચે શીત લહેરની લિજ્જત માણવા સુરત સહિત દક્ષિણ ગુજરાતના સેંકડો પ્રવાસીઓ સાપુતારાની સાહેલગાહે ઉમટી પડ્યા હતા. સાપુતારા ખાતે એડવેન્ચર એક્ટિવિટી સહિત દર્શનીય સ્થળોએ પ્રવાસીઓ માટે પ્રતિબંદીત કર્યું હોય તેમ છતાં સાપુતારા ખાતેના સ્વાગત સર્કલ થી સાઈબજાર અને સ્વામિનારાયણ મંદિર થી પ્રવાસીઘર સુધી વાહનોના ખડકલા થી પરિસર ઉભરાય ગયું હતું. સાપુતારા ખાતે ઉમટી પડેલ જનમેદનીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાપુતારા પોલીસ મથકના પીએસઆઇ એમ.એલ. ડામોર સહિત સ્ટાફ દિવસભર ખડેપગે રહી કાયદો વ્યવથા જાળવવા વ્યસ્ત રહ્યા હતા.