તાપી જિલ્લા તથા જ.ભ.અને સા.આ. સાર્વજનિક વિદ્યાલય વ્યારાનું ગૌરવ
શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શાળાના શિક્ષકા ડો.કેતકીબેન શાહને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકનું મળ્યુ સન્માન
(માહિતી બ્યુરો વ્યારા) તા.૧૩ઃ તાપી જિલ્લાના ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત જ.ભ.અને સા.આ. સાર્વજનિક વિદ્યાલય વ્યારા શાળાના ઉચ્ચત્તર માધ્યમિક શાળામાં શિક્ષકા તરીકે ફરજ બજાવતા ડો.કેતકીબેન શાહે તેમની ૧૮ વર્ષની સેવાકાળ દરમિયાન કરેલ શૈક્ષણિક પ્રવૃત્તિ,સામાજીક પ્રવૃત્તિ અને રાજ્યકક્ષાએ રજુ કરેલ પ્રોજેક્ટ બદલ ૫મી સપ્ટેમ્બર શિક્ષકદિન નિમિત્તે ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, માન.રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત,શિક્ષણ મંત્રીશ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા,રાજ્ય શિક્ષણ મંત્રીશ્રી વિભાવરીબેન,શિક્ષણ સચિવશ્રી રાવ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન તેમજ મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિપત્ર એનાયત કરાયું હતું
ડો.કેતકીબેન શાહે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે તેમના દ્વારા થતી શૈક્ષણિક અને સામાજીક સેવાઓ જેવીકે સાક્ષરતા અભિયાન,ભગીની સમાજની બહેનોની પ્રવૃત્તિ, P4P બાળ ઘડતર દ્વારા વિશ્વ શાંતિ ની પ્રવૃત્તિઓ, સિકલસેલ અવેરનેસ પ્રોગ્રામની નોંધ લેવાતા આ એવોર્ડ માટે પસંદગી થઈ અને આ બહુમાન પ્રાપ્ત થયું છે.
રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષક તરીકેની મારી પસંદગી માટે જિલ્લા વહીવટી તંત્ર અને શિક્ષણાધિકારીશ્રીની કચેરીનું સુચારૂ માર્ગદર્શન મળ્યું છે. આમ હું રાજ્ય સરકારના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સિધ્ધિ મેળવી ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું. તેમજ મદદકર્તા તમામનો આભાર વ્યક્ત કર્યો હતો..