ઑસ્ટ્રેલિયા સામે જીત સાથે ભારતે નોંધાવ્યા આ ત્રણ રેકર્ડ..
ઓપનર શિખર ધવનની શાનદાર સદી, વિરાટ કોહલીના 82 રન બાદ બૉલર્સે હરીફ પર અંકુશ જાળવી રાખતા ભારતે આઈસીસી વન-ડે ક્રિકેટ વર્લ્ડ કપમાં પોતાની વિજયકૂચ જાળવી રાખીને રવિવારે ચૅમ્પિયન ઑસ્ટ્રેલિયાને 36 રનથી હરાવ્યું હતું.
ઑસ્ટ્રેલિયા માટે ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથે લડાયક બૅટિંગ કરી હતી પરંતુ તેમનો પ્રતિકાર લાંબા સમય સુધી ચાલ્યો ન હતો કેમ કે, ભારતીય બૉલર્સે સતત દબાણ જારી રાખ્યું હતું.
વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતનો આ સળંગ બીજો વિજય હતો. જસપ્રિત બુમરાહ અને ભુવનેશ્વર કુમારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ભારતે પ્રથમ બૅટિંગ કરીને 50 ઓવરને અંતે પાંચ વિકેટે 352 રનનો વિશાળ સ્કોર રજૂ કર્યો હતો જેના જવાબમાં ઑસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 316 રન કર્યા હતા.
મૅચ જીતવા માટે 353 રનના કપરા લક્ષ્યાંક સામે રમતા ઑસ્ટ્રેલિયાએ 14મી ઓવરમાં કૅપ્ટન એરોન ફિંચની વિકેટ ગુમાવી હતી, જેઓ રનઆઉટ થયા હતા.
ત્યારબાદ ડેવિડ વોર્નર અને સ્ટિવ સ્મિથ ખતરનાક બની રહ્યા હતા. ભારતને આ તબક્કે વિકેટની જરૂર હતી પરંતુ છેક 25મી ઓવરમાં ચહલે ડાબોડી ઓપનર ડેવિડ વોર્નરને આઉટ કર્યા. વોર્નરે 84 બૉલમાં 56 રન ફટકાર્યા હતા.