કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ ડો.પાર્થ શાહ અને ડો.ૠતા સાવજ
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોના દર્દીઓની સેવા સારવારમાં સમર્પિત તબીબ દંપતિ અન્ય તબીબો માટે પ્રેરણાદાયી બન્યું છે. ડો.પાર્થ શાહ સ્મીમેર ખાતે મેડિસીન વિભાગમાં અને તેમના પત્ની ડો.ૠતા સાવજ નવી સિવિલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે પરિવારથી દૂર રહી છેલ્લાં ચાર મહિનાથી અડીખમ ફરજ નિભાવી રહ્યાં છે.
ડો.પાર્થ જણાવે છે કે, ‘સ્મીમેરની કોવિડ હોસ્પિટલના ICU વોર્ડમાં છે ૪ માસથી ડ્યુટી કરી રહ્યો છું. હોસ્પિટલમાં જ રહી દર્દીની સેવામાં યોગદાન આપી રહ્યો છું. સ્મીમેર હોસ્પિટલ અને કોરોના દર્દીઓ જ અમારો પરિવાર છે. મારા પત્ની ડો.ઋતા સાવજ પણ સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે કોરોના વોર્ડમાં ચાર મહિનાથી ફરજ બજાવે છે. અમને ગર્વ અને સંતોષ છે કે કોરોના મહામારી સામે લડવા અને કોરોનાગ્રસ્તોની સેવાનો અવસર મળ્યો છે. અમે પતિ-પત્ની વિડિયો કોલથી વાત કરી એકબીજાની ખબરઅંતર પૂછી લઈએ છીએ. પરિવારજનો સાથે પણ અવારનવાર વિડિયો કોલથી વાત કરી લઈએ છીએ. ડો.ૠતા સાવજ જણાવે છે કે, કોરોનાની શરૂઆતથી જ હું સિવિલ હોસ્પિટલમાં રહી કોરોના દર્દીની સારવાર કરી રહી છું. અમારૂં બંનેનું એક જ લક્ષ્ય છે કે, ‘ઈશ્વરે અમને કોરોના દર્દીની સેવા કરવા નિમિત્ત બનાવ્યા છે, જ્યાં સુધી સુરત કોરોનામુક્ત ન થાય ત્યાં સુધી અમે પતિ-પત્ની ફરજને પ્રાધાન્ય આપીશું. ઘણી વાર દર્દી ગંભીર સ્થિતિમાં દાખલ થાય છે, ત્યારે તેમના પરિવારજનોને આશ્વાસન સાથે તેમને ધીરજ પણ આપવી પડે છે. ક્યારેક એવા પણ દર્દી દાખલ થાય છે. જેમના વિચારો, વાણી અને સૌમ્ય વર્તન પ્રત્યે માન-સન્માન થાય છે. ઘરના સભ્યો હિંમતથી કામ કરવા અમારો ઉત્સાહ વધારે છે.