સુરત SMCની સ્મીમેર હોસ્પિટલ ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): સ્મીમેર હોસ્પિટલ ખાતે તા.૫ જુલાઈથી શરૂ થયેલી પ્લાઝમા બેન્કમાં બે મહિનાથી પણ ઓછા સમયમાં ૫૦૧ પ્લાઝમા ડોનેટ કરાવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. સુરત SMC ની સ્મીમેર હોસ્પિટલ ૫૦૧ પ્લાઝમા દાન સાથે રાજ્યભરમાં મોખરે રહી છે. આ સિદ્ધિ બદલ સ્મીમેર હોસ્પિટલના નોડલ ઓફિસર અને નાયબ વન સંરક્ષકશ્રી પુનિત નૈયરે બ્લડ બેંકના સ્ટાફને સર્ટિફિકેટ આપી સન્માનિત કર્યા છે,શ્રી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, સ્મીમેર હોસ્પિટલ કોવિડ-૧૯ની મહામારીમાં ૨૪x૭ કલાક કામ કરી રહી છે. સ્મીમેર હોસ્પિટલને પ્લાઝમા બેન્કની મંજૂરી મળી ત્યારથી કોરોનામુક્ત દર્દીઓને પ્લાઝમા દાન માટે પ્રેરિત કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું હતું. જેના પરિણામે ૫૦૧ પ્લાઝમા દાનનું સીમાચિહ્ન સર કર્યું છે. બ્લડબેન્કના સ્ટાફ અને ડોક્ટરોની ટીમની મહેનત અને પ્લાઝમા ડોનરોના નિ:સ્વાર્થ સેવાકીય અભિગમથી સિધ્ધી હાંસલ કરી છે. હાલ સુરતમાં પ્લાઝમાની જરૂરિયાત ઓછી થઈ હોવાથી આસપાસના જિલ્લામાં પ્લાઝમાની જરૂર જણાશે તો સપ્લાયની મંજૂરી મેળવીજરૂરિયાત ધરાવતાં દર્દીઓને પ્લાઝમા પૂરા પાડીશું એમ શ્રી નૈયરે જણાવ્યું હતું.સ્મીમેર બ્લડ બેંકના હેડ ડો.અંકિતા શાહે જણાવ્યું હતું કે, ‘કોરોનાની વૈશ્વિક મહામારીમાં પ્લાઝમા થેરાપીથી કોરોના દર્દીઓને ઘણી રાહત થઈ છે. અમારી બ્લડ બેન્કની ટીમ દ્વારા તા.૫ જુલાઈથી પ્લાઝમા બેન્કની શરૂઆતથી આજ સુધી છેલ્લાં બે મહિનામાં ૫૦૧ પ્લાઝમા એકત્ર કર્યા છે. ૯૭૩ પ્લાઝમા સેમ્પલ લેવાયા હતા અને ૬૭૨ યુનિટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. જેમાં ૫૭૫ સ્મીમેર હોસ્પીટલ અને ૨૮૦ યુનિટ અન્ય હોસ્પિટલમાં ઇસ્યુ કર્યા છે.