માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા કુટુંબો છેલ્લા ૧૭ વર્ષથી જ્યોતિગ્રામ યોજનાની વીજળીથી વંચિત
(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આંબાવાડી ગામના સાત આદિવાસી કુટુંબોને સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ ૧૭ વર્ષથી મળતો નથી.પૂરતી વીજળી નહીં મળતી હોવા છતાં વીજ બિલ ગ્રાહક તરીકે ભરી રહ્યા છે માજી ધારાસભ્ય રમણ ચૌધરીએ પરિવારોને ન્યાય નહીં મળે તો વીજ કચેરી સામે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી છે.
માંગરોળ તાલુકાના આંબાવાડી ગામના સાત જેટલા આદિવાસી કુટુંબોને છેલ્લા ૧૭ વર્ષથી રાજ્ય સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ ૨૪ કલાક વીજળીનો લાભ મળતો નથી જેને કારણે આદિવાસી પરિવારો વર્ષોથી હાલાકી ભોગવી રહ્યા છે પરંતુ વીજ કંપનીના અધિકારીઓ આદિવાસી પરિવારની કોઈ રજૂઆત સાંભળતા નથી તેવી ફરિયાદો ઉઠી રહી છે.
ત્યારે આ પરિવારની વહારે માજી ધારાસભ્ય રમણલાલ ચૌધરી અને કોંગ્રેસના કાર્યકરો આવ્યા છે. તેઓએ વીજ કંપનીના અધિકારીને રૂબરૂ મળી સાત પરિવારોની વીજળી સમસ્યાનો પ્રશ્ન હલ કરવામાં આવે તેવી પ્રબળ રજૂઆત કરી છે અને આ પ્રશ્નનહીં ઉકેલાય તો વીજ કચેરી સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આંબાવાડીથી વાંકલ તરફ જતા રાજ્ય ધોરી માર્ગ ઉપર પોતાના ખેતરોમાં છેલ્લા ૨૫ વર્ષથી સાત જેટલા આંબાવાડી ગામના આદિવાસી પરિવારો ઘર બનાવીને રહે છે.આ પરિવારો 1995માં વીજ કંપની પાસેથી પૈસા ભરી વીજ કનેક્શન મેળવ્યા હતા અને વીજળીનો વપરાશ કરી રહ્યા હતા પરંતુ વર્ષ ૨૦૦૨માં રાજ્ય સરકારની ૨૪ કલાક વીજળી માટેની જ્યોતિ ગ્રામ યોજના અમલમાં આવતા કૃષિ વીજ લાઈન અને જ્યોતિગ્રામ વીજ લાઈન અલગ કરવામાં આવી હતી ત્યારે આ પરિવારો નું કનેક્શન કૃષિ વીજ લાઇન સાથે ચાલુ રાખ્યું હતું જેથી આ પરિવારોને કૃષિ વીજ લાઈન માં જ્યારે વીજ પાવર આઠ કલાક આપવામાં આવે છે ત્યારે જ આ પરિવારોને વીજળી મળે છે. સરકારની જ્યોતિગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળીનો લાભ મળતો નથી વર્ષોથી આ પ્રમાણે આ પરિવારો વીજળીના હાલાકી ભોગવી રહ્યા છે અને આ પરિવારો નિયમિત રીતે વિજ વપરાશનું બિલ પણ ભરી રહ્યા છે. હાલમાં સરકાર દ્વારા આઠ કલાક ખેડૂતોને વીજળી આપવામાં આવે છે. આ સમય દરમિયાન જ આ ઘરોમાં વીજ પુરવઠો ચાલુ રહે છે વીજળી વિના સાત જેટલા આદિવાસી પરિવારના બાળકો નુ ભણતર વર્ષોથી બગડી રહ્યું છે. એક તરફ આ મકાન ખેતરમાં આવેલા હોવાથી જંગલી જાનવરો અને દીપડાનો ત્રાસ કાયમી ધોરણે રહે છે તેઓના પશુ અવાર નવાર શિકારનો ભોગ બની રહ્યા છે. વીજળી વિના આ પરિવારો રાત્રિના સમયે જંગલી જાનવરોના ભયે ચિંતાતુર રહે છે. આવી અનેક મુશ્કેલીઓનો ભોગ આ સાત આદિવાસી પરિવારો બની રહ્યા છે વીજળી આજે પાયાની સુવિધા બની ગઈ છે ત્યારે પાયાની સુવિધા વિના કોઈપણ પરિવારે જીવવાનું મુશ્કેલ બની જતું હોય એ સ્વાભાવિક છે. બીજી તરફ વીજ કંપની વીજ કનેક્શન આપ્યા હોવાથી ૨૪ કલાક વીજળી દરેક પરિવારોને સરકારના નિયમ મુજબ આપવું ફરજિયાત હોવા છતાં વીજ કંપનીના અધિકારીઓએ આંખ આડા કાન કરી આ પ્રશ્નનું નિરાકરણ કર્યું નથી.હવે આ મુદ્દે સાત જેટલા આદિવાસી પરિવારોને ન્યાય નહીં મળે તો માજી ધારાસભ્ય રમણલાલ ચૌધરીએ વીજ કચેરી સામે ધારણા કરી ઉપવાસ પર બેસવાની ચીમકી આપી છે.