બારડોલી અને માંડવી ખાતે વન, આદિજાતિ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને, મુખ્યમંત્રી કિસાન સહાય યોજના કાર્યક્રમ યોજાયા
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ધરતીપુત્રોની આવકમાં વૃધ્ધિ થાય તથા રાજય સરકારની સાત જેટલી નવીનત્તમ વિવિધ કૃષિ લક્ષી યોજનાઓથી ખેડુતોને માહિતગાર કરવાના હેતુ સાથે આજરોજ વન, આદિજાતિમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે બારડોલી અને માંડવી તાલુકા મથકોએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાના કાર્યક્રમો યોજાયા હતા, આ અવસરે મંત્રીશ્રી વસાવાએ જણાવ્યું હતું કે, ખેડુતોના કલ્યાણને વરેલી રાજય સરકારે સાત જેટલી નવી કૃષિલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. સરકારના સકારાત્મક પ્રયાસોના પરિણામે રૂા.૧૪૦૦૦ કરોડનું કૃષિ ઉત્પાદન આજે વધીને એક લાખ ૭૦ હજાર કરોડે પહોચ્યું છે. આદિવાસી બાંધવોના સર્વાંગી કલ્યાણને વરેલી રાજય સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં છેલ્લા દસ વર્ષમાં ૭૦ હજાર જેટલા વિજળીના કનેકશનો સહિત ૧૦૦ જેટલા ૬૬ કે.વી. સબ સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. અતિવૃષ્ટી કે કમોસમી વરસાદથી ખેતી પાકોને થયેલા નુકશાન બદલ ખેડુતોને હેકટરદીઠ રૂા.૨૫૦૦૦ની સહાય એનાયત કરવામાં આવશે. ખેડુતોની જમીનો ભૂ-માફીયાઓ પચાવી ન પાડે તે માટે રાજય સરકારે સખ્ત કાયદાનું રૂપ આપીને ૧૪ વર્ષ સુધીની સજાની જોગવાઈ કરવામાં આવી હોવાનું મંત્રીશ્રીએ જણાવ્યું હતું.આ વેળાએ સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં ડબલ કરવાના ભાગરૂપે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. સુરત જિલ્લામાં કિસાન સમ્માન યોજના હેઠળ ૧.૨૧ લાખ ખેડુતોને રૂા.૧૨૯ કરોડની સહાય આપવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ સાત નવી યોજનાઓ જેમાં કિસાન પરિવહન યોજના હેઠળ ગુડઝ કેરેઝ વાહનની ખરીદી માટે રૂા.૭૫૦૦૦ સુધીની સહાય,પાણીના કરકસરપૂર્ણ ઉપયોગ માટે સામુદાયિક સ્તરે કોમ્યુનિટી બેઝ ભુગર્ભ ટાંકાઓ માટે જુથ દીઠ રૂા.૯.૮૦ લાખની સહાય, મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાહેઠળ નાના ગોડાઉન માટે રૂા.૩૦,૦૦૦ની સહાય, સીમાંત ખેડુતો માટે સ્માર્ટ હેન્ડટુલકીટ માટે રૂા.૧૦૦૦૦ની સહાય, પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન માટે ડ્રમ,ડોલની સહાય, ફળ-શાકભાજી છુટક વિક્રેતાઓને તથા ગાય આધારિત ખેતી માટે પ્રતિ માસ રૂા. ૯૦૦ની સહાય એનાયત કરવામાં આવશે.આ વેળાએ કૃષિ વૈજ્ઞાનિકશ્રી જનકભાઈ રાઠોડે જણાવ્યું હતું કે, ખેડુતોએ કૃષિ ખર્ચ ધટે તથા કૃષિ ઉત્પાદન વધે તેવા પ્રયાસો કરવા પડશે. કૃષિ યુનિ.ના દ્વારા ઉત્પાદિત અને માત્ર રૂા.૧૨૦માં એક લિટર દવાનો કોઈ પણ પાકોમાં છાટવાથી ખેત ઉત્પાદનમાં ધણો ફાયદો થાય છે જેનો લાભ લેવાનો અનુરોધ તેમણે કર્યો હતો બારડોલી અને માંડવી ખાતે છ તાલુકાના ખેડુતોને રોટાવેટર, પાવર ટીલર, ટ્રેકટર સહિતની યોજનાઓના સહાયના ચેકોનું વિતરણ મંત્રી તથા અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું. આ વેળાએ બારડોલી અને માંડવી ખાતેના કાર્યક્રમોમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીમતી પ્રિતીબેન પટેલ, તા.પં. પ્રમુખ શ્રીમતિ રમીલાબેન, સિંચાઈ સમિતિના ચેરમેનશ્રી શ્યામસિગભાઈ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેશ કોયા, સંયુકત ખેતી નિયામકશ્રી કમલેશ પટેલ, નાયબ ખેતી નિયામક (તાલીમ)શ્રી એન.કે. ગામીત, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એન.જી. ગામીત, અગ્રણીશ્રી ભાવેશભાઈ, રાજુભાઈ, નરપતભાઈ, રેશાભાઈ, પ્રવિણભાઈ તેમજ મોટી સંખ્યામાં ખેડુતો ઉપસ્થિત રહ્યા હતા.