કિસાન સહાય યોજના અંતર્ગત તાપી જિલ્લામાં સોનગઢ અને બાજીપુરા ખાતે ખેડૂત કલ્યાણ યોજનાઓનો પ્રારંભ
કૃષિ જગતનો સૌથી જુનો વ્યવસાય છે. ખેડૂતે કરેલી સૌથી મોટી શોધ ખેતી છે : સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમાર.
( માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાઃ ૨૮ઃ તાપી જિલ્લાના સોનગઢ અને બાજીપુરા ખાતે રાજ્યના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી ઈશ્વરભાઈ રમણભાઈ પરમાર ના અધ્યક્ષ સ્થાને મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત ખેડૂતો માટેની કલ્યાણકારી યોજનાઓ વિશે જાણકારી માટેનો કાર્યક્રમ આજરોજ સોનગઢ અને બાજીપુરા ખાતે યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન સાંસદ સભ્યશ્રી પરભુભાઈ એન વસાવા,તાપી કલેકટરશ્રી આર.જે.હાલાણી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી નેહા સિંઘની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓ અંગે જિલ્લાના ખેડૂતો ને માહિતગાર કરાયા હતા.
મંત્રીશ્રી ઈશ્વરભાઈ પરમારે ખેડૂતોને સંબોધતા જણાવ્યું હતું કે કૃષિ મહોત્સવ જેવા કાર્યક્રમો તેમજ આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી રાજ્યના ખેડૂતોએ વિક્રમજનક ઉત્પાદન મેળવ્યું છે. જેને પરિણામે સમગ્ર ભારતભરમાં ગુજરાતે ટોચનું સ્થાન મેળવ્યું છે. કૃષિ જગતનો સૌથી જુનો વ્યવસાય છે. ખેડૂતે કરેલી સૌથી મોટી શોધ ખેતી છે. આ કૃષિ નો વ્યવસાય ક્યારેય બંધ થવાનો નથી. ભારતની સંસ્કૃતિની અનોખી દેન છે કે આપણે ધરતીને માતા અને ખેડૂતને જગતનો તાત કહીએ છીએ. આપણાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ ખેડૂતો માટે અનેક કલ્યાણકારી યોજનાઓ જાહેર કરી છે. જે યોજનાઓનો લાભ લઇ આપણાં ખેડૂતો આર્થિક સધ્ધરતા પ્રાપ્ત કરી શકે છે. અનાવૃષ્ટિ,અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદથી ખેતીમાં નુકશાન થાય છે. ખેડૂતો કુદરતી આપત્તિનો ભોગ બને છે. આવી પરિસ્થિતિમાંથી ખેડૂતોને ઉગારવા રાજ્ય સરકાર ખૂબ જ સારી કામગીરી કરી રહી છે. ખરીફ ઋતુમાં થયેલ પાક નુકશાન માટે સરકારે સહાય જાહેર કરી છે. ખેડૂતોને ૩૩ થી ૬૦ ટકા નુકશાની માટે રૂા.૨૦,૦૦૦/- પ્રતિ હેકટર માટે અને વધુમાં ૪ હેકટરની મર્યાદામાં લાભ મળવાપાત્ર છે. ખરીફ ઋતુમાં ૬૦ ટકાથી વધુ નુકશાન માટે રૂા.૨૫,૦૦૦ વધુમાં વધુ ૪ હેકટરની મર્યાદામાં મળવાપાત્ર રહેશે.
બાજીપુરા ખાતે ખેડૂતોને સંબોધતા મંત્રીશ્રી પરમારે જણાવ્યું હતું કે આત્મનિર્ભર ગુજરાત અંતર્ગત ખેડૂતમિત્રો માટે વિવિધ યોજનાઓ અમલમાં છે. જેમાં સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના,કિસાન પરિવહન યોજના,કોમ્યુનીટી બેઝ ભૂગર્ભ ટાંકા બનાવવાની યોજના તથા પીએમ. કિસાન યોજનાઓ છે. પીએમ કિસાન યોજના અંતર્ગત તાપી જિલ્લાના દરેક ખેડૂત કુટુંબને ચાર માસના ગાળામાં ત્રણ સરખા હપ્તાથી દર વર્ષે રૂા.૬૦૦૦/- લેખે કુલ ૭૬,૦૦૬ ખેડૂતોને તેમના બેંક ખાતામાં રૂા.૪૫૬૦.૩૬ લાખ રૂપિયા સીધા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર માધ્યમથી જમા કરાવવામાં આવ્યા છે.તાપી જિલ્લા વહીવટી ટીમની સારી કામગીરી બિરદાવી મંત્રીશ્રીએ ટીમ તાપીને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા.
સાંસદશ્રી પરભુભાઇ વસાવાએ જણાવ્યું હતું કે સરકારશ્રીની યોજનાઓ ખેડૂતો માટે આશાનું કિરણ બની છે. ખેડૂતને કોઇ નાત-જાત હોતી નથી. દરેકને જીવવા માટે ખેડૂતો અનાજ પુરૂ પાડે છે. તાપી જિલ્લામાં સૌથી વધુ સનદ વન વિભાગની જમીન વારસાઈ હક્ક સાથે આપવામાં આવી છે. રૂા.૧૧૦૦ કરોડની તાપી જળાશય યોજના રાજ્ય સરકારે મંજૂર કરી છે.
તાપી કલેકટર શ્રી આર.જે.હાલાણીએ જણાવ્યું હતું કે તાપી જિલ્લાના ખેડૂતો આર્થિક રીતે સક્ષમ બને તે માટે વહીવટી તંત્ર કટીબધ્ધતા સાથે કામ કરી રહયું છે. માનનીય મુખ્ય મંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ની દિર્ધ દ્રષ્ટિને કારણે આપણે સુજલામ સુફલામ,નરેગા અને વનવિભાગના વનીકરણ કાર્યક્રમ અંતર્ગત જળસંચયના કામોમાં નોંધપાત્ર સિધ્ધિ હાંસલ કરી છે. આજે દક્ષિણ સોનગઢ ના ડુંગરાળ વિસ્તારોમાં ૪૦ જેટલા તળાવો પાણીથી છલોછલ ભરાય ગયા છે. જેનાથી ખેડૂતો પિયત સિંચાઈ કરી શકશે. વધુમાં કલેકટરશ્રી હાલાણીએ તમામ ખેડૂતોને ખેતીને લગતા તેમના મુંઝવતા પ્રશ્નો અંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા જિલ્લા ખેતીવાડી કચેરીનો સંપર્ક કરવા અનુરોધ કર્યો હતો.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા સિંઘે તમામ ખેડૂતોને વરસાદની અનિયમિતતા ને કારણે થતા નુકશાન સામે સરકારશ્રીની યોજનાકીય સહાય લેવા અનુરોધ કર્યો હતો.તેમજ જિલ્લાના કોઈપણ ખેડૂત સહાયથી વંચિત રહી ન જાય તે માટે હાકલ કરી હતી.
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.સી.ડી.પંડ્યા,નાયબ નિયામક બાગાયત શ્રી નિકુંજ પટેલ અને મઢી સુગર ફેકટરી ના ચેરમેન અને એ.પી.એમ.સી. ચેરમેને શ્રી સમીરભાઈ ભક્તે સરકારશ્રીની કોરોના દરમિયાન કરેલી કામગીરીને બિરદાવી ખેડૂતોને ઉપયોગી માર્ગદર્શન પુરૂ પડ્યું હતું.
આ પ્રસંગે વ્યારા પ્રાંત અધિકારીશ્રી હિતેશ જોષી, જોઈન્ટ ડાયરેકટરશ્રી કે.એસ.પટેલ,ભાજપ સંગઠન પ્રમુખ અને સેનેટ ડો. જયરામભાઈ ગામીત,સોનગઢ નગર પલિકા પ્રમુખ શ્રી ટપુભાઈ ભરવાડ, એપીએમસી ચેરમેન શ્રી અરવિંદભાઈ ગામીત,મામલતદારશ્રી ડી.કે.વસાવા,વાલોડ ઈ.ચા. મામલતદારશ્રી નરેન્દ્ર પટેલ, ચીફ ઓફિસરશ્રી સોનગઢ પૂર્વી પટેલ, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એસ.બી.ગામીત સહિત સોનગઢ ખાતે કુકરમુન્ડા,નિઝર,ઉચ્છલ,સોનગઢ અને બાજીપુરા ખાતે ડોલવણ,વાલોડ અને વ્યારાના મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ બહેનો,સરપંચશ્રીઓ અને પદાધિકારીઓ સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને ઉપસ્થિત રહ્યા હતા.સોનગઢ ખાતે કન્યાશાળા સોનગઢના શિક્ષકોએ પ્રાર્થના અને ગીત રજુ કર્યા હતા.જ્યારે બાજીપુરા ખાતે પ્રા.શાળા બાજીપુરા ના શિક્ષિકા બહેનોએ પ્રાર્થના રજુ કરી હતી. આભારવિધિ આત્મા પ્રોજેક્ટ ડાયરેકટરશ્રી પી.આર.ચૌધરીએ કરી હતી.
૦૦૦૦૦૦