સામાજિક ન્યાય મંત્રીની ઉપસ્થિતિમાં પલસાણા તાલુકાનો ૭૧મો વનમહોત્સવ ઉજવાયો

Contact News Publisher

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : ધરતી માતાને વૃક્ષની આચ્છાદિત કરવા માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા સુરત જિલ્લાના પલસાણા તાલુકાના કડોદરા નગર સેવા સદન ખાતે તાલુકાકક્ષાનો ૭૧મો વન મહોત્સવ સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઈશ્વરભાઈ પરમારના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. વૃક્ષોના જતન અને સંવર્ધનની મહત્તા સમજાવતા મંત્રીશ્રી ઈશ્વર પરમારે જણાવ્યું હતું કે, ૧૯૫૦માં ગુજરાતના પનોતા પુત્ર સ્વ.કનૈયાલાલ મુનશીએ વનમહોત્સવની શરૂઆત કરાવી હતી. જેને અનુસરીને રાજય સરકાર દરવર્ષે રાજયકક્ષાએ સાંસ્કૃતિક વનો અને જિલ્લાકક્ષાએ વન મહોત્સવોની ઉજવણી કરીને આગામી પેઢી તંદુરસ્ત અને સ્વસ્થ રહે તેવા આશયથી સંકલ્પ સાથે કાર્ય કરી રહી છે.રાજયમાં આ વર્ષે ૧૦ કરોડ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર હોવાની વિગતો આપતા મંત્રીશ્રી ઈશ્વરભાઈએ કહ્યું કે, સમગ્ર જીવ સૃષ્ટિનો આધાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વન્ય સંપદા પર રહેલો છે .ગ્લોબલ વોર્મિંગને કારણે ઋતુઓમાં પરિવર્તન આવ્યું છે. જેને નાથવા માટે વૃક્ષોનું વાવેતર કરીને સૌ ગુજરાતીઓને ગ્રીન ગુજરાત કલીન ગુજરાત, હરિયાળા ગુજરાતની નેમ સાકાર કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો. દરેક વ્યકિતએ વૃક્ષોનું મહત્વ સમજી એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાની હિમાયત કરતા કહ્યું હતું કે, રાજ્યના ૩૩ જિલ્લા, મહાનગરો, ૨૫૦ તાલુકા અને ૫૧૦૦થી વધુ ગામોમાં વૃક્ષ રથ ફરીને ઘરે ઘરે જઈને વૃક્ષોનું વિતરણ કરવામાં આવશે.

About The Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Other