સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય કર્મીઓનું ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી, ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે સ્વચ્છતાના નિયમોનું પાલન કરીને મહામારીને ઘણા અંશે નાથી શકાય છે. શરીરની સ્વચ્છતા જાળવવાથી અનેક રોગોને શરીરમાં પ્રવેશતા અટકાવી શકાય છે. ખાસ કરીને હાથની સ્વચ્છતા રાખવાથી કોરોના સામે લડવાની સાથોસાથ અનેક સંક્રામક રોગોથી પણ રક્ષણ મેળવી શકાય છે જિલ્લામાં કોરોનાં અટકાયત માટે જિલ્લા પંચાયતના કોરોના વોરીયર્સ આરોગ્યકર્મીઓએ ગ્રામ્ય વિસ્તારમાં પ્રેરણાદાયી ‘હેન્ડ વોશ’ જનજાગૃત્તિ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં કુલ ૩,૪૫,૪૨૨ હાથ ધોવાનાં ડેમો દ્વારા ૧૦ લાખ લોકોને હાથ ધોવાની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવાડી છે. કોરોના સંકટમાં આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો.જયંતિ રવિના ઈનોવેટીવ IEC પ્રવૃત્તિ અનુસાર જિલ્લા કલેકટર ડો. ધવલ પટેલ, DDO એચ.કે.કોયા અને DHO હસમુખ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આ અભિયાન ગત તા. ૨૬ એપ્રિલથી અમલમાં મૂકવામાં આવ્યું હતું.