વન મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ઐતિહાસિક સોનગઢ કિલ્લાના જીર્ણોધ્ધાર માટે ખાતમુહર્ત વિધી કાર્યક્રમ યોજાયો
તાપી જીલ્લાની ઓળખ અને ગૌરવ સોનગઢ કિલ્લાના જિર્ણોધ્ધાર માટે રાજ્ય સરકારે રૂપિયા ૪ કરોડની ફાળવણી કરી છે
ઐતિહાસિક કિલ્લાનો જીર્ણોધ્ધાર કરી સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસતનું જતન કરી તેને ભવ્ય બનાવવામાં આવશે. – મંત્રી ગણપતસિંહ વસાવા
(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા;શનિવારઃ- આદિજાતી વિકાસ, વન,મહિલા અને બાળ કલ્યાણમંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે સોનગઢ ફોર્ટ ખાતે વનવિભાગ દ્વારા તૈયાર થનાર ઈકો ટુરિઝમ સેન્ટર અન્વયે ઐતિહાસિક સોનગઢ કિલ્લાના જીર્ણોધ્ધાર માટે ખાતમુહર્ત વિધી કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મીડીયાને માહિતી આપતા મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતુ કે, તાપી જિલ્લામાં પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વાર ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે જીલ્લાની આગવી ઓળખ અને ગૌરવ સમા સોનગઢ કિલ્લાના જિર્ણોધ્ધાર માટે રાજ્ય સરકારે રૂપિયા ચાર કરોડ જેટલી માતબર રકમની ફાળવણી કરી છે. જેનાથી કિલ્લાના વિકાસ સંબધિત તમામ પ્રાથમિક/માળખાકીય સુવિધાઓ ઝડપથી ઉભી કરવામાં આવશે.
મંત્રીશ્રી જણાવ્યું કે આગામી દિવસોમાં આદિવાસી વિસ્તારમાં અંબાજી થી ઉમરગામ સુધી ટ્રાયબલ ટુરીસ્ટ સર્કીટ ઉભી થશે જેથી આ વિસ્તારમાં રોજગારીની તકો ઉભી થશે. ઘણા સમયની જિલ્લાના લોકોની લાગણી અને માંગણીને માન આપી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તાપી જેવા આદિવાસી વિસ્તારમાં પ્રવાસન ક્ષેત્રના વિકાસને પ્રાધાન્ય આપ્યુ તે માટે મુખ્ય મંત્રીશ્રીનો જિલ્લાના ચુંટાયેલા પ્રતિનીધીઓ, લોકો વતી આભાર વ્યક્ત કર્યો હતો.
સોનગઢના ઐતિહાસિક કિલ્લાનો રૂપિયા ચાર કરોડના ખર્ચે ઐતિહાસિક કિલ્લાનો જીર્ણોધ્ધાર કરી સાંસ્કૃતિક અને ભવ્ય ઐતિહાસિક વિરાસતનું જતન કરી તેને ભવ્ય બનાવવામાં આવશે. જેથી આ કિલ્લાનો ઐતિહાસિક ચિતાર ઉત્તેજક અને રસપ્રદ બની રહેશે. જે આગામી દિવસોમાં આવનાર પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. અને તેનાથી સોનગઢ સહિત આજુબાજુના ગ્રામવિસ્તારમાં રોજગારીની તકો ઉભી થશે.
આ પ્રસંગે સાંસદ, તાપી કલેક્ટરશ્રી આર.જે.હાલાણી, સીસીએફ સુરત વર્તુળશ્રી સી.કે.સોનવણે, નાયબ વન સરંક્ષકશ્રી આનંદકુમાર, નાયબ પોલિસ અધિક્ષકશ્રી સંજય રાય, સોનગઢ નગર પાલિકા પ્રમુખશ્રીમતી વૈશાલી ચૌધરી, સેનેટ સભ્ય અને જિલ્લા પક્ષપ્રમુખશ્રી જયરામભાઈ ગામીત, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેનશ્રી નરેશ પટેલ, અધિક કલેક્ટર બી.બી.વહોનીયા, પ્રાંત અધિકારી હિતેન્દ્ર જોષી, આદિજાતી વિકાસ નિગમના સભ્ય પરેશ વસાવા, મામલતદાર ડી.કે.વસાવા, પક્ષ મહામંત્રીશ્રી નિતીન મામા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મંત્રીશ્રી તથા મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતુ.
ત્યારબાદ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાએ ઉકાઈ ડેમ ખાતે નવા નીરના વધામણા કરતા ઉકાઈ જળાશયમાં શ્રીફળ અર્પણ, આરતી કરી નવા નીરના વધામણા કર્યા હતા. મંત્રીશ્રીએ વિપુલ જળ રાશિનું પૂજન અર્ચન કરતા ધન્યતા અનુભવી હતી. પૂજા-અર્ચન કરી મંત્રીએ દક્ષિણ ગુજરાત જીવાદોરી ઉકાઈ જળાશયની મુલાકાત લઈ પાવર હાઉસ, સંગ્રહિત પાણીની સપાટી સહિત ડેમની ટેકનીકલ જાણકારી મેળવી હતી. મંત્રીશ્રીને ડેમનો કેચમેન્ટ એરિયા, પાણી છોડવાના ગેટ, ડાઉનસ્ટ્રીમ, લઘુત્તમ-મહત્તમ પાણીનું લેવલ જાળવણી, વિજ ઉત્પાદન પ્રક્રિયા સહિત વિવિધ ટેકનીકલ પાસાઓની સબંધિત અધિકારીઓ પાસેથી જાણકારી મેળવી હતી. આ વેળા મંત્રીશ્રીની સાથે સાંસદશ્રી પ્રભુભાઈ વસાવા, કલેક્ટર આર.જે. હાલાણી, ડેમના અધિક્ષક ઈજનેર એસ.આર. મહાકાલ, કા.પા.ઈ. જે.એમ. પટેલ, સિંચાઈના કાર્યપાલક ઈજનેરશ્રી પી.જી. વસાવા, સેનેટ મેમ્બર અને જિલ્લાપક્ષ પ્રમુખ જયરામભાઈ ગામીત, સુરત ડીસ્ટ્રીક્ટ કો.ઓ.બેંકના ચેરમેનશ્રી નરેશ પટેલ જોડાયા હતા.
…….