સુરતીઓ આનંદો : સુરત ખાતે ૬.૫૦ કરોડના ખર્ચે ૫૦ બેડની નવી સરકારી આયુર્વેદ હોસ્પિટલનું નિર્માણ થશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આદિકાળથી આપણા દેશમાં ભારતીય ઋષિઓ દ્વારા આર્યુવેદિક પધ્ધતિથી ગમે તેવા હઠિલા રોગોને જડમુળમાંથી દુર કરવાની સારવાર થતી હતી. આજે પણ કોરોના કાળ વચ્ચે આર્યુવેદિક ઉકાળા, સંશમની વટી જેવા ઉપાયો કરીને રોગપ્રતિકારક શકિતઓ વધારવામાં આવી રહી છે. ત્યારે સૂરતીઓ માટે આનંદના સમાચાર એ છે કે, સુરતને ૫૦ બેડની નવી સરકારી આયુષ હોસ્પિટલના નિર્માણ માટે ભારત સરકારના આયુષ મંત્રાલય અંતર્ગત રૂા.૬.૫૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ સાથે રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જરૂરી મહેકમ પણ મંજુર કરવામાં આવ્યું છે. ચોક બજાર ખાતે આવેલી જુની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં નવી આયુષ હોસ્પિટલનું નિર્માણ થશે જેના થકી શહેરની ૬૫ લાખથી વધુની વસ્તીને આયુર્વેદ ચિકિત્સા પધ્ધતિથી ઓપીડી કક્ષાએ સારવાર થશે. ઉપરાંત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને જરૂરીયાત મુજબ પંચકર્મની સારવાર, અગ્નિકર્મ, રકતમોક્ષણ વગેરે સારવાર આપી દર્દીઓને જટીલ રોગોમાંથી ઝડપી સારા પરીણામ આપી શકાશે. હોસ્પિટલ શરૂ થવાથી દર્દીઓને સોનોગ્રાફી, એકસ-રે તથા લોહીની તપાસનો પણ લાભ મળી રહેશે. જિલ્લાના આયુર્વેદ દવાખાનાઓમાં સારવાર અર્થે આવતા દર્દીઓને વધુ સારવાર માટે આ હોસ્પિટલ ખૂબ જ ઉપયોગી નિવડશે. સુરત શહેરમાં એક પણ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ન હતી. નવી નિર્માણ થનાર આયુષ હોસ્પિટલ ખાતે વેલનેસ સેન્ટર શરૂ કરી જેમાં યોગ, પ્રાણાયામ તથા વ્યકિત તંદુરસ્ત રહી શકે તે માટે દિનચર્યા, આહાર-વિહાર, પથ્યાપથ્ય વગેરેની માહિતી આપવામાં આવશે.